5 સપ્ટેમ્બરે સુરત જિલ્લાનાં પ્રાથમિક શિક્ષકોનો કાળી પટ્ટી ધારણ કરી TET મુક્તિ અને OPS ની માંગને લઈ ‘બ્લેક બેજ વિરોધ દિવસ’

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૦૩. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં આદેશ અનુસાર પ્રાથમિક શિક્ષકોનાં લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈ આંદોલનાત્મક કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી જૈમિનભાઈ પટેલનાં આદેશ અનુસાર આગામી 5 સપ્ટેમ્બર, શિક્ષક દિને સુરત જિલ્લાનાં તમામ તાલુકાનાં પ્રાથમિક શિક્ષક ભાઈ-બહેનો કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી પોતાની માંગણીઓ પ્રતિ સરકારશ્રીનું ધ્યાન દોરશે.
શિક્ષકોની મુખ્ય બે માંગણીઓ
1. TET પરીક્ષા : સને-2011 પહેલાં નિમણૂક પામેલા તમામ પ્રાથમિક શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ આપવી.
2. જૂની પેન્શન યોજના : સને-2005 પછી નિમણૂક પામેલા તમામ શિક્ષકો માટે જૂની પેન્શન યોજના (OPS) સંપૂર્ણપણે લાગુ કરવી.
આ બંને મુદ્દાઓ સહિત શિક્ષકોનાં અન્ય વિવિધ પડતર પ્રશ્નો અંગે સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પ્રશ્નોનો સંતોષકારક ઉકેલ ન આવતાં શિક્ષકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દાઓને લઈને આગામી દિવસોમાં દિલ્હી ખાતે રાષ્ટ્ર કક્ષાએ પણ આંદોલનાત્મક કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવેલ છે, તેનાં પ્રથમ તબક્કાનાં ભાગરૂપે 5 સપ્ટેમ્બરે સ્થાનિક કક્ષાએ ‘બ્લેક બેજ વિરોધ’ કાર્યક્રમ યોજાશે. આ અંગે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં નવનિયુક્ત પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા મહામંત્રી બીપીનભાઈ પટેલે જણાવ્યું હતું કે શિક્ષકોની માંગણીઓ માત્ર વ્યક્તિગત હિત સાથે નહીં પરંતુ શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષકોનાં ભવિષ્ય સાથે સંકળાયેલી છે. સરકાર દ્વારા આ પ્રશ્નો અંગે હકારાત્મક અને તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તેવી સમગ્ર શિક્ષક સમાજની માંગ છે.
(રિપોર્ટ: વિજય પટેલ , જિલ્લા પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ)
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
