સર્વજન કલ્યાણ સંપૂર્ણતા અભિયાન : તાપી જિલ્લા વહીવટી તંત્રની લોકઉપયોગી પહેલ

હવે એક પણ પાત્ર લાભાર્થી સહાયકારી યોજનાથી વંચિત નહીં રહે…
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 02. – તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકો માટે એક આગવી લોકકેન્દ્રિત પહેલ શરૂ કરવામાં આવી છે, જેનો મુખ્ય આશય સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા સેવાઓનો લાભ જિલ્લાના દરેક પાત્રતા ધરાવતા નાગરિક સુધી સરળતાથી પહોંચાડવાનો છે.
આ યોજના અંતર્ગત “એક પણ પાત્ર લાભાર્થી વિવિધ સહાયકારી યોજનાથી વંચિત નહીં રહે” તેવો સ્પષ્ટ સંકલ્પ લેવામાં આવ્યો છે. આ અભિયાનને વધુ વેગ આપવા અને ગ્રામ્ય કક્ષાએથી વધુમાં વધુ અરજીઓ થાય તે માટે એક વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે અંતર્ગત, QR કોડ સ્કેન કરીને ઓનલાઈન ફોર્મ ભરવામાં નાગરિકોને સહાય કરનાર સ્વયંસેવક (વોલન્ટિયર) દ્વારા જ્યારે સંબંધિત અરજી મંજૂર કરવામાં આવશે, ત્યારે પ્રોત્સાહન સ્વરૂપે પ્રતિ અરજી રૂ. ૧૦૦/- આપવામાં આવશે.
આ પહેલથી ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારના નાગરિકોને સરકારી યોજનાઓનું માર્ગદર્શન અને ઓનલાઈન અરજી કરવામાં ઘરઆંગણે જ સહાય મળી રહેશે, તેમજ સ્થાનિક યુવાનો કે સ્વયંસેવકોને પણ આર્થિક પ્રોત્સાહન પૂરું પાડી આ લોકકલ્યાણકારી યજ્ઞમાં સક્રિય સહભાગી બનાવી શકાશે. તાપી જિલ્લા વહીવટી તંત્રની આ પરિણામલક્ષી કામગીરીથી છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓ તથા સેવાઓનો લાભ ઝડપથી પહોંચશે.
નોંધનીય છે કે, આ અભિયાન હેઠળ નિરાધાર વૃદ્ધ સહાય, ગંગા સ્વરૂપા આર્થિક સહાય, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, પાલક માતા-પિતા યોજના, વ્હાલી દિકરી યોજના, સંત સુરદાસ યોજના, દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજના, દિવ્યાંગજનો માટે સહાયક ઉપકરણો મેળવવાની યોજના, રાષ્ટ્રીય વયોશ્રી યોજના સહિતની અનેકવિધ યોજનાઓ વંચિત લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
