વ્યારામાં ત્રિ-દિવસીય ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ નો પ્રારંભ : ભવ્ય સંસ્કૃત ગૌરવયાત્રા યોજાઈ

વૈદિક સંસ્કૃતિ, શ્લોક ગાન અને ઋષિમુનિઓની વેશભૂષા સાથે નગરજનોને પ્રાચીન વિરાસતનો કરાવાયો પરિચય
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૫. :- તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. વર્ષાબેન વસાવાની આગેવાનીમાં વ્યારા નગર ખાતે ત્રિ-દિવસીય “સંસ્કૃત સપ્તાહ મહોત્સવ” નિમિત્તે ભવ્ય ‘સંસ્કૃત ગૌરવયાત્રા’ યોજાઈ હતી. મહોત્સવના પ્રથમ દિવસે યોજાયેલી આ રેલીમાં વ્યારા શહેરના નાગરિકો તેમજ વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ ગૌરવયાત્રાનો પ્રારંભ મંગળવારે શ્રીમતી કે.કે. કદમ કન્યા વિદ્યાલય ખાતેથી થયો હતો. ત્યાંથી નીકળીને યાત્રા સયાજીરાવ સ્ટેચ્યુ અને બસ સ્ટેન્ડ થઈને પુનઃ શ્રીમતી કે.કે. કદમ કન્યા વિદ્યાલય ખાતે પહોંચી હતી, જ્યાં તેનું ઉત્સાહભેર સમાપન કરવામાં આવ્યું હતું.
રેલી દરમિયાન બાળકોએ વિવિધ બેનરો અને પ્લે-કાર્ડ્સ મારફતે જ્ઞાનના અમૃતભંડાર સમાન પ્રથમ વેદ ‘ઋગવેદ’ તથા યજ્ઞવિધિઓ અને સ્તુતિરૂપ મંત્રો ધરાવતા ‘યજુર્વેદ’ સહિતના વેદો અંગે નગરજનોને જાણકારી આપી સામાજિક સંદેશ પ્રસરાવ્યો હતો. આ ઉપરાંત, વિદ્યાર્થિઓએ ઋષિમુનિઓની વેશભૂષા ધારણ કરી ભારતની પ્રાચીનતમ સંસ્કૃતિની સુંદર ઝલક રજૂ કરી હતી.
આજની યુવા પેઢીમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી યાત્રા દરમિયાન આકર્ષક ટેબ્લોના માધ્યમથી વૈદિક સાહિત્ય, શ્લોક-ગીતો, વેદમંત્રોનું ગાન, સંસ્કૃત ગરબા અને વૈદિક પઠન જેવા વિવિધ સાંસ્કૃતિક પ્રદર્શનો યોજાયા હતા. વૈદિક સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાની ગૌરવપૂર્ણ પરંપરાને ઉજાગર કરવા તેમજ શૈક્ષણિક અને સાંસ્કૃતિક મૂલ્યોને નાગરિકો સુધી પહોંચાડવાના મુખ્ય આશય સાથે આ યાત્રા યોજાઈ હતી.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
