જનસેવા કેન્દ્રોમાં હવે નાગરિકોને નહીં પડે બિનજરૂરી ધક્કા: તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ સુધારાત્મક પગલાં

0
જનસેવા કેન્દ્રોમાં હવે નાગરિકોને નહીં પડે બિનજરૂરી ધક્કા: તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ સુધારાત્મક પગલાં
Contact News Publisher

જાતિ પ્રમાણપત્રમાં Self-Attested પુરાવા માન્ય, અધૂરી અરજી પણ ઇનવર્ડ કરાશે; વિધવા-વૃદ્ધ સહાય માટે ફરી ફિઝિકલ અરજી નહીં, સરકારી ફોર્મ વિનામૂલ્યે અને તાલુકા કચેરીએ Help Deskની સુવિધા

—-

(માહિતી બ્યુરો, તાપી-વ્યારા) : તા. ૨૫ :- તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ સરળતાથી, ઝડપથી અને પારદર્શક રીતે મળી રહે તે માટે જનસેવા કેન્દ્રોની કામગીરીમાં મહત્વપૂર્ણ સુધારાત્મક અમલવારી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવતી આ અમલવારીનો મુખ્ય હેતુ અરજદારોની મુશ્કેલીઓ દૂર કરી તેમને એક જ છત હેઠળ સરળતાથી સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.

 

જનસેવા કેન્દ્રો ઈ-ગવર્નન્સ અને ટેકનોલોજીના ઉપયોગ થકી નાગરિકોને આવકનો દાખલો, જાતિ પ્રમાણપત્ર, આધારકાર્ડ સહિત ૧૦૦થી વધુ સરકારી સેવાઓની અરજીઓ સરળતાથી અને પારદર્શક રીતે કરવાની સુવિધા પૂરી પાડે છે. અરજીઓની સ્થિતિ ઓનલાઈન ટ્રેક કરી શકાય છે તથા તાલીમબદ્ધ કર્મચારીઓ દ્વારા કામગીરી ઝડપી પૂર્ણ કરવામાં આવે છે.

 

જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે અરજદાર પાસે દરેક આધાર પુરાવાની True Copy કરાવવાનો આગ્રહ રાખવામાં નહીં આવે. અરજદાર દ્વારા Self-Attested કરવામાં આવેલા આધાર પુરાવાઓ માન્ય રાખવામાં આવશે. આથી નાગરિકોને નોટરી વગેરે પાસેથી ખરી નકલ કરાવવાનો બિનજરૂરી ખર્ચ નહીં કરવો પડે.

 

જાતિ પ્રમાણપત્ર માટે અરજી કરતી વખતે જ અરજદારને જરૂરી આધાર પુરાવા તથા સોગંદનામા અંગે પૂરતી માહિતી આપવામાં આવશે. વિવિધ જરૂરી સોગંદનામા જનસેવા કેન્દ્ર ખાતે જ નાયબ મામલતદાર (Executive Magistrate) દ્વારા કરી આપવાની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી અરજદારો પરનો આર્થિક બોજ ઘટશે.પીટિશન રાઇટર દ્વારા નિયમો મુજબ જ ફી વસૂલવામાં આવે છે કે નહીં તેની પણ મામલતદાર કચેરી દ્વારા સમયાંતરે તપાસ કરવામાં આવશે.

 

અરજદાર અધૂરા પુરાવા સાથે અરજી રજૂ કરે ત્યારે અરજીને કચેરીમાં પેન્ડિંગ રાખવાને બદલે તેના પર ઇનવર્ડનો સિક્કો મારી ટૂંકી સહી કરવામાં આવશે. સાથે જ બાકી પુરાવા કયા રજૂ કરવાના છે અને નાગરિક અધિકાર પત્ર મુજબ નિર્ધારિત સમયમર્યાદામાં સેવા મળવાપાત્ર છે તેની લેખિત જાણ અરજદારને તાત્કાલિક કરવામાં આવશે.આથી અરજદારને પોતાની અરજી જમા થઈ છે કે નહીં અને બાકી કાર્યવાહી અંગે સ્પષ્ટ માહિતી મળી રહેશે.

 

રૂ. ૫ લાખ સુધીના આવક પ્રમાણપત્ર માટે તલાટી કમ મંત્રી નિયત કરેલા દિવસે અને તારીખે ગ્રામ્ય કક્ષાએ ઉપસ્થિત રહે તે માટે તાલુકા વિકાસ અધિકારી દ્વારા સૂચના આપવામાં આવશે. તલાટી કમ મંત્રી નિયત દિવસે પંચાયત ખાતે હાજર રહે છે કે નહીં તેની તાલુકા વિકાસ અધિકારી દ્વારા દર અઠવાડિયે રૂબરૂ અથવા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઓચિંતી તપાસ કરવામાં આવશે.આથી આવક પ્રમાણપત્ર માટે ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને બિનજરૂરી રાહ જોવી ન પડે અને સ્થાનિક કક્ષાએ જ સેવા મળી રહે તે સુનિશ્ચિત થશે.

 

તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવતા વિવિધ દાખલા/પ્રમાણપત્રો માટે તાલુકા પંચાયત કચેરી ખાતેથી જ સુગમ પોર્ટલ પર ઓનલાઈન અરજી અને આગળની કાર્યવાહી કરવાની વ્યવસ્થા કરવામાં આવશે.અરજદારને જરૂરી દાખલા અને પ્રમાણપત્રો એક જ સ્થળેથી સરળતાથી અને ઝડપથી મળી રહે તે માટે તાલુકા પંચાયત કચેરી ખાતે કેમેરા તથા જરૂરી ડિજિટલ/ઇલેક્ટ્રોનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં આવશે.

 

વિધવા-વૃદ્ધ સહાય, સમાજ સુરક્ષા તથા પુરવઠા વિભાગની અરજીઓ ગ્રામ્ય કક્ષાએથી Digital Gujarat મારફતે ઓનલાઈન મોકલવામાં આવે છે. હવે ઓનલાઈન મળેલી અરજી અને તેમાં અપલોડ કરાયેલા પુરાવાના આધારે જ કાર્યવાહી કરવાની રહેશે. અરજદાર પાસે ફરીથી ફિઝિકલ અરજી રજૂ કરવાનો આગ્રહ રાખવામાં નહીં આવે.

 

અધૂરા પુરાવાવાળી અરજી સ્વીકારવામાં આવે ત્યારે પણ અરજી પર ઇનવર્ડનો સિક્કો મારી અરજદારને બાકી પુરાવા અંગે તથા સેવા મળવાની નિર્ધારિત સમયમર્યાદા અંગે લેખિતમાં તાત્કાલિક જાણ કરવાની રહેશે. અરજી નિયમ મુજબ નામંજૂર થવાપાત્ર હોય તો તેની પણ તાત્કાલિક લેખિત જાણ કરવાની રહેશે.

 

વિધવા-વૃદ્ધ સહાય તથા સમાજ સુરક્ષાની વિવિધ અરજીઓમાં અરજદારના આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરે જેવા આધાર પુરાવામાંથી રહેઠાણ, ઉંમર વગેરેની વિગતો જાણી શકાતી હોય ત્યારે અલગથી વિવિધ દાખલા રજૂ કરવાનો આગ્રહ રાખવામાં નહીં આવે.જે કેસોમાં પેઢીનામાની જરૂરિયાત ન હોય ત્યાં પેઢીનામું રજૂ કરવા જણાવવામાં નહીં આવે. આથી લાભાર્થીઓને બિનજરૂરી દસ્તાવેજો મેળવવા માટે થતી દોડધામમાંથી રાહત મળશે.

 

ગ્રામ્ય કક્ષાએ નાગરિકોને જમીનના ૭/૧૨ તથા ગામ નમૂના નં. ૬ની નકલો સરળતાથી મળી રહે તે માટે તલાટી કમ મંત્રી તથા VCEને તાલુકા વિકાસ અધિકારી દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવશે.જિલ્લાની અન્ય કચેરીઓએ પણ ગ્રામ્ય કક્ષાએથી આપવામાં આવતી જમીનના ૭/૧૨ તથા ગામ નમૂના નં. ૬ની નકલો માન્ય રાખવાની રહેશે. જેથી નાગરિકોને માત્ર નકલ મેળવવા માટે મામલતદાર કચેરી સુધી આવવાની જરૂરિયાત ઘટશે.

 

વિવિધ દાખલા અને પ્રમાણપત્રો મેળવવા માટેના સરકારી ફોર્મ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમામ જરૂરી ફોર્મ તાલુકા કક્ષાએ છપાવીને વ્યવસ્થિત રીતે ડિસ્પ્લે કરવામાં આવશે.અરજદાર ફોર્મ લેવા આવે ત્યારે જ તેને જરૂરી આધાર પુરાવા અને સોગંદનામા અંગે પૂરતી માહિતી આપવામાં આવશે, જેથી અરજી કરતી વખતે જરૂરી દસ્તાવેજો અંગેની અસ્પષ્ટતા દૂર થાય.

 

નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ અંગે પૂરતી માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટે તાલુકા કચેરીઓમાં Help Deskની સુવિધા ઉભી કરવામાં આવશે. આથી કઈ સેવા માટે કયા પુરાવા જરૂરી છે, અરજી ક્યાં કરવી અને પ્રક્રિયા શું છે તે અંગે નાગરિકોને સરળતાથી માર્ગદર્શન મળી રહેશે.

 

તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જનસેવા કેન્દ્રોની કામગીરીમાં કરવામાં આવેલી આ અમલવારીનો મુખ્ય હેતુ નાગરિકોને સરકારી સેવાઓ મેળવવા માટે બિનજરૂરી કચેરીના ધક્કા, વધારાનો ખર્ચ અને સમયનો વ્યય ન કરવો પડે તે છે.

 

નાગરિકોના સૂચનો અને જનસેવા કેન્દ્રોની કામગીરી દરમિયાન ધ્યાનમાં આવેલી ક્ષતિઓને આધારે કરવામાં આવેલા સુધારાઓથી સરકારી સેવા મેળવવાની પ્રક્રિયા વધુ સરળ, પારદર્શક અને નાગરિકલક્ષી બનશે, જેનો સીધો લાભ તાપી જિલ્લાના નાગરિકોને મળશે.

0000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *