કરમલા પ્રાથમિક શાળામાં 80 માં સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિસભર ઉજવણી

ઉજવણીનાં ભાગરૂપે શાળા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૨૪. આલપાડની કરમલા પ્રાથમિક શાળામાં 80 માં સ્વતંત્રતા દિવસની ભવ્ય અને રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદનથી થઈ હતી. ગામનાં પ્રથમ નાગરિક સરપંચ શ્રીમતી હેમલતાબેન ગોરાણીનાં વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકોએ રાષ્ટ્રભાવના વ્યક્ત કરવા તથા શહીદોની યાદમાં ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, ભારત માતા, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, સૈનિક વગેરેની વેશભૂષામાં સજ્જ થઈ સૌનાં દિલ જીતી લીધા હતાં. બાળકો દ્વારા વિવિધ વિષયો પર વકતૃત્વ પણ રજૂ કરવામાં આવ્યું હતું.
પ્રસંગને અનુરૂપ સરપંચ હેમલતાબેન ગોરાણી, ભક્તિબેન પટેલ, માજી સરપંચ પ્રવીણભાઈ ચૌહાણે પ્રેરણાદાયી વક્તવ્ય આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં. શાળાનાં આચાર્ય નિલેશભાઈ પટેલે શાળાની વાર્ષિક ઝાંખી રજૂ કરી હતી. પ્રારંભે દરેક બાળકોને તિરંગાનું વિતરણ કરી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. બાળકોએ દેશભક્તિનાં નારા લગાવી વાતાવરણ રાષ્ટ્રભક્તિમય બનાવી દીધું હતું. આ અવસરે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામનાં લોકોને 1000 જેટલાં ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા તમામ બાળકો અને મહેમાનો માટે નાસ્તા અને પેંડાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત ગામનાં અગ્રણી વેપારી બાબુભાઈ દ્વારા દરેકને કેળાનું વિતરણ કરાયું. સર્વ સમાજ એકતા ગૃપનાં કન્વીનર યોગેશભાઈ પરમાર દ્વારા ગોરમા વ્રત નિમિત્તે યોજાયેલ સ્પર્ધાનાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ માટે રૂ. 3150 નું દાન આપવામાં આવ્યું. અન્ય દાતાશ્રીઓ દ્વારા ચોકલેટ અને મીઠાઈનું વિતરણ કરાયું.
કાર્યક્રમનાં બીજા ચરણમાં આ શાળામાંથી વય નિવૃત્ત થતાં શિક્ષક ભરતભાઈ પટેલનું ગ્રામજનો અને શાળાસ્ટાફ દ્વારા શાલ ઓઢાડી ભાવભીનું સન્માન કરવામાં આવ્યું અને નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવવામાં આવી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સરપંચ હેમલતાબેન ગોરાણી, ભક્તિબેન પટેલ, ઉપસરપંચ દિપીકાબેન દેસાઈ, તલાટી કમ મંત્રી યતિનભાઈ, માજી સરપંચ પ્રવીણભાઈ, ગ્રામ પંચાયત સદસ્ય અશોકભાઈ ચૌહાણ, શાળા વ્યવસ્થાપન સમિતિ, આંગણવાડી કાર્યકર, વાલીઓ, દાતાઓ, ગામનાં વડીલો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. ગામનાં વતની અને હાલ અમેરિકા સ્થિત દલપતકાકા તથા મનીષભાઈ ચૌહાણે શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતાં. અંતે શાળાનાં ઉપશિક્ષક ભરતભાઈ પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી અને રાષ્ટ્રગાન સાથે મીઠું મોઢું કરી સૌ છૂટા પડ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
