જૈવ સુરક્ષા અને વ્યક્તિગત સ્વચ્છતા અંગે ક્ષમતા નિર્માણ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૪. સમુદ્રી ઉત્પાદન નિર્યાત વિકાસ પ્રાધિકરણ (MPEDA), ભારત સરકારની વલસાડ કચેરી દ્વારા સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે અનુસૂચિત જનજાતિના માછીમારો, ખેડૂતો તથા શ્રમિકો માટે “જૈવ સુરક્ષા ઉપાયો અને વ્યક્તિગત સ્વચ્છતા” વિષય પર ક્ષમતા નિર્માણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉકાઈના મામલતદાર શ્રી. હિતેશભાઈ ધૂધાત ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત MPEDA, વલસાડના ડેપ્યુટી ડિરેક્ટર શ્રી. નરેશ તમગડે, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક શ્રીમતી ભારતીબેન પટેલ, ઉકાઈ, MPEDA વલસાડના જુનિયર ટેકનિકલ ઓફિસર શ્રી. ભવિન કુમાર તથા શ્રી. નામદેવ ભોયંગકર અને તત્વમસી ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક શ્રી. હિરેનભાઈ ચૌધરી સહિત વિસ્તારના માછીમારો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ માછીમારી તથા મત્સ્યસંબંધિત કામગીરી દરમિયાન માછીમારો અને શ્રમિકો દ્વારા વ્યક્તિગત સ્વચ્છતા, આરોગ્યની કાળજી તથા જૈવ સુરક્ષાના જરૂરી પગલાં અંગે જાગૃતિ અને વ્યવહારુ જ્ઞાન વિકસાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન માછીમારોને કામ દરમિયાન સલામતી અને સ્વચ્છતા જાળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
ઉપસ્થિત લાભાર્થીઓને જરૂરી સહાયરૂપે લાઇફ સેવિંગ જેકેટ, ક્રેટ તથા અન્ય ઉપયોગી સામગ્રીની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પાત્ર લાભાર્થીઓના ખાતામાં સહાયની રકમ જમા કરવાની પ્રક્રિયા અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ઉકાઈ તાલુકાના આશરે 30 જેટલા માછીમારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
