સી.ઓ.ઈ. કામધેનું યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા વિશ્વ યુવા દિવસની ઉજવણી કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૨. સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનું યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા આજે વિશ્વ યુવા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી. દર વર્ષે ૧૨ ઓગસ્ટના રોજ વિશ્વભરમાં “વિશ્વ યુવા દિવસની” ઉજવણી કરવામાં આવે છે. તેના ભાગરૂપે કેન્દ્ર ખાતે યુવાઓ માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્પર્ધામાં કુલ ૨૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધા માટે ચાર મહત્વપૂર્ણ વિષયો નક્કી કરવામાં આવ્યા હતા, જેમાં “વિકસિત ભારત ૨૦૪૭ માટે યુવાઓનું વિઝન”, “ભ્રષ્ટાચારમુક્ત ભારતના નિર્માણમાં યુવાઓની ભૂમિકા”, “ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ અને આર્થિક વિકાસમાં યુવાઓની ભૂમિકા” તેમજ “નશામુક્ત ભારત અભિયાન” જેવા સમકાલીન વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓએ તમામ વિષયો પર પોતાના વિચારો અસરકારક રીતે રજૂ કર્યા હતા. સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શનના આધારે વિજેતાઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
• પ્રથમ ક્રમ : જીતકુમાર ટંડેલ
• દ્વિતીય ક્રમ : હેતકુમાર ટંડેલ અને તૃષ્ટિ ટંડેલ
• તૃતીય ક્રમ : શ્રુતિ મિશ્રા
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે એકલ અભિયાનના પ્રમુખ શ્રી મિશ્રાજી ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કે.એસ.પી. પીઠાવાડા, શ્રી નીતિનજી દુબે તેમજ સરકારી વિજ્ઞાન મહાવિદ્યાલયના પ્રોફેસરશ્રીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
તાલીમાર્થીઓ, વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત મહાનુભાવોના ઉત્સાહભર્યા સહભાગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
