“રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન” અંતર્ગત તાપીના જનપ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ

પ્રજાકલ્યાણ માટે સમર્પિત થવું એ જ સાચા જનપ્રતિનિધિની ઓળખ – તાપી જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી નરેશભાઈ પટેલ
—
વ્યારા કોલેજ ખાતે પંચાયતી રાજની ભૂમિકા, સત્તાઓ, ૧૬મા નાણાપંચ અને પારદર્શિતા અંગે જનપ્રતિનિધિઓને માર્ગદર્શન અપાયું
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૫ :- તાપી જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે ગુરુવારે વ્યારા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સભાખંડ ખાતે ઉપસ્થિતિ નોંધાવીને રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જિલ્લા અને તાલુકાકક્ષાના ચુંટાયેલા જનપ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમમાં માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.
આ તકે મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યુ કે, પંચાયતી રાજ વિકાસ માટેનો મહત્વનો આધાર સ્તંભ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યના વિકાસ માટેની જે રાહ ચિંધીને આજે દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. પરંતુ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી ગુજરાત રાજ્યના વિકાસની ગતિને જાળવી રાખી છે.
તેમણે કહ્યુ કે, રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ તટસ્થ રીતે પ્રજાકલ્યાણ માટે સમર્પિત થવુ તે જ સાચા જનપ્રતિનિધિની ઓળખ છે. તંદુરસ્ત રાજકારણ જ તમામ ક્ષેત્રના વિકાસને સુનિશ્ચિત કરવાનુ કામ કરે છે.
નોંધનીય છે કે, આ તાલીમ વર્ગમાં ધારાસભ્ય સર્વશ્રી મોહનભાઈ કોંકણી અને મોહનભાઈ ઢોડિયાએ પણ એક આદર્શ જનપ્રતિનિધિ ભૂમિકા અંગે માર્ગદર્શિત કર્યા હતા.
આ તાલીમ શિબિરમાં પંચાયતી રાજનો પરિચય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પદાધિકારીઓ, સદસ્યોની ભૂમિકા, સત્તાઓ અને જવાબદારીઓ તેમજ ગ્રામસભાનું મહત્વ, વિવિધ સમીતી અને તેમની કામગીરી, ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓ, ગ્રામ પંચાયત વિકાસ યોજના, 16મા નાણાપંચ અંતર્ગત આયોજન અને અમલીકરણ, ઇગ્રામ સ્વરાજ પોર્ટલનું અમલીકરણ, નાણાકીય વ્યવસ્થાપન, પારદર્શિતા અને જવાબદારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
આ તકે, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંચળબેન ચૌધરી, જિલ્લા અગ્રણીશ્રી સુરજભાઈ વસાવા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અલ્પના નાયર, તાલુકા વિકાસ અધિકારી સર્વશ્રીઓ, સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
