ચલથાણ નગર પ્રાથમિક શાળામાં સુરત 1098 ટીમ દ્વારા બાળ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

0
ચલથાણ નગર પ્રાથમિક શાળામાં સુરત 1098 ટીમ દ્વારા બાળ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Contact News Publisher

વિદ્યાર્થીઓને 1098 સેવા, POCSO એક્ટ, બાળ અધિકારો, સુરક્ષિત-અસુરક્ષિત સ્પર્શ, બાળ લગ્ન, બાળ મજૂરી અને બાળ સુરક્ષા અંગે માર્ગદર્શન અપાયું

(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. 06 ઓગસ્ટ: મિશન વાત્સલ્ય અંતર્ગત કાર્યરત સુરત 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમ દ્વારા ચલથાણ સ્થિત નગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓમાં બાળ સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના હેતુથી વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ બાળ સુરક્ષા સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે મહત્વપૂર્ણ માહિતી મેળવી હતી.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને 1098 ચાઇલ્ડ હેલ્પલાઇનની ટોલ-ફ્રી સેવાની ઉપયોગિતા, તેની કાર્યપદ્ધતિ તેમજ કોઈપણ બાળક શોષણ, બાળ મજૂરી, બાળ લગ્ન, ભિક્ષાવૃત્તિ, ઘરેથી ભાગી જવું, ગુમ થવું અથવા અન્ય કોઈ સંકટજનક પરિસ્થિતિમાં હોય ત્યારે 1098 પર તાત્કાલિક સંપર્ક કરીને નિઃશુલ્ક મદદ મેળવી શકાય છે તે અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓને સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ વચ્ચેનો તફાવત સરળ અને સમજાય તેવી ભાષામાં સમજાવવામાં આવ્યો હતો. ઉપરાંત બાળકોને જાતીય ગુનાઓથી સુરક્ષા આપતા POCSO એક્ટ–2012 અંગે પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી તેમજ કોઈપણ પ્રકારના અયોગ્ય વર્તન અથવા શોષણ સામે મૌન ન રહી વિશ્વાસુ વ્યક્તિ, શિક્ષક, વાલી અથવા 1098 હેલ્પલાઇનનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી હતી.

આ ઉપરાંત બાળ લગ્ન પ્રતિબંધ, બાળ મજૂરી અને ભિક્ષાવૃત્તિ નિવારણ, બાળકોના બંધારણીય અને કાનૂની અધિકારો તેમજ સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી વિવિધ બાળ સુરક્ષા યોજનાઓ અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. કોઈ બાળક ગુમ થાય તો સમયસર પોલીસ અને 1098 હેલ્પલાઇનનો સંપર્ક કરવાથી બાળકને ઝડપથી શોધવામાં મદદરૂપ થઈ શકે છે તે અંગે પણ સમજ આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નોત્તરીમાં ભાગ લીધો હતો અને બાળ સુરક્ષા સંબંધિત પોતાની જિજ્ઞાસાઓનું સમાધાન મેળવ્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને બાળ સુરક્ષાનો સંદેશ પોતાના મિત્રો, પરિવારજનો અને સમાજ સુધી પહોંચાડવાનો તેમજ જરૂરિયાત સમયે નિર્ભય બની 1098 સેવાનો ઉપયોગ કરવાનો સંકલ્પ કરાવવામાં આવ્યો હતો.

સુરત 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમ દ્વારા જણાવાયું હતું કે બાળકોમાં સુરક્ષા, જાગૃતિ અને તેમના અધિકારો અંગે સમજ વધે તેમજ દરેક બાળક સુરક્ષિત અને સન્માનપૂર્ણ વાતાવરણમાં વિકાસ કરી શકે તેવા હેતુથી જિલ્લામાં સમયાંતરે આવા જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *