તાપી જિલ્લામાં ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ : આવતીકાલે શાળા/કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ : કલેક્ટરશ્રીએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી

0
તાપી જિલ્લામાં ભારે વરસાદનું 'રેડ એલર્ટ' : આવતીકાલે શાળા/કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ : કલેક્ટરશ્રીએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી
Contact News Publisher

૩૧ જુલાઈના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર

 

૧૮૦ જેટલા તાલીમબદ્ધ ‘આપદા મિત્રો’ સંસાધનો સાથે તાલુકા કક્ષાએ સ્ટેન્ડબાય

 

રેસ્ક્યુ બોટ સાથેની ટીમો એલર્ટ, જિલ્લામાં ૯૮ શેલ્ટર હોમ્સ અને ફૂડ પેકેટની વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ

 

(માહિતી બ્યૂરો દ્વારા, તાપી) : તા. ૩૦. ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. ૩૧/૦૭/૨૦૨૬ના રોજ તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક સ્તરે પૂર્વતૈયારીઓ કરી લેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર શ્રી દેવ ચૌધરીએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.

 

કલેક્ટરશ્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે તમામ વિભાગોને સજ્જ કરી દેવાયા છે અને જનતાની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં તકેદારી રાખવા માટે તાલુકા લાયઝન અધિકારીઓ, મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓ મારફતે સરપંચો અને તલાટીઓ સાથે સંકલન સાધી લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ નદી કિનારાના વિસ્તારોથી દૂર રહેવા કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે.

 

ભારે વરસાદ દરમિયાન સંભવિત આફતોને પહોંચી વળવા માટે જિલ્લામાં એસ.ડી.આર.એફ. (SDRF)ની બે ટીમો પાંચ બોટ અને બચાવ કામગીરીના આધુનિક સાધનો સાથે તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત વ્યારા અને સોનગઢ ફાયર વિભાગની બે ટીમોને પણ પાંચ બોટ સાથે સતર્ક રાખવામાં આવી છે. આપત્તિના સમયે સ્થાનિક સ્તરે તાત્કાલિક મદદ મળી રહે તે હેતુથી ૧૮૦ જેટલા તાલીમબદ્ધ ‘આપદા મિત્રો’ને લાઈફ જેકેટ અને અન્ય જરૂરી સંસાધનો સાથે તાલુકા કક્ષાએ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા તમામ તાલુકા લાયઝન અધિકારીઓને લાઈફ બોયા, દોરડા અને ઇમરજન્સી લાઈટ જેવા ડિઝાસ્ટર મેનેજમેન્ટના સાધનો હાથવગા રાખવા આદેશો જારી કરાયા છે.

 

જિલ્લાના નીચાણવાળા અને પુરગ્રસ્ત સંભવિત વિસ્તારોમાં રહેતા લોકોની સલામતી માટે કુલ ૯૮ શેલ્ટર હોમ્સ (આશ્રય સ્થાનો) કાર્યરત કરી દેવામાં આવ્યા છે. હાલમાં ડુબાણ અને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવાની પ્રક્રિયા ગતિમાં છે અને આ સ્થળાંતરિત લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવા માટે પણ સંબંધિત વિભાગોને સૂચના આપી દેવાઈ છે. વરસાદી માહોલમાં બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

 

રસ્તાઓ પર વૃક્ષો પડવાની કે અન્ય અવરોધોની સ્થિતિમાં વાહનવ્યવહાર પૂર્વવત કરવા માટે માર્ગ-મકાન વિભાગ અને વન વિભાગને સજ્જ રહેવા જણાવાયું છે. રસ્તાઓ બંધ થવાની સ્થિતિમાં બેરીકેટીંગ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગને પણ વિશેષ સૂચનાઓ અપાઈ છે. જિલ્લામાં ઉપલબ્ધ તમામ બોટ અને તેના ઓપરેટરોના સંપર્ક નંબરો સાથેની યાદી તૈયાર કરી તેમને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે ડી.જી.વી.સી.એલ. અને આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા માટે પુરવઠા વિભાગ સહિતના તમામ લાઈન ડિપાર્ટમેન્ટ્સને હાઈ-એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

 

સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવા માટે જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ અને તમામ તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ ૨૪*૭ કાર્યરત કરી દેવાયા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા અને ફરજ પર હાજર રહેવા તાકીદ કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ભારે વરસાદ દરમિયાન પોતાના પશુઓને બાંધી ન રાખે અને ખેતીકામ કે પશુ ચરાવવા જેવી પ્રવૃત્તિઓથી દૂર રહી સલામત સ્થળે આશરો લે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *