તાપી જિલ્લામાં કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ‘માય ભારત’ અંતર્ગત બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા કરાઈ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 28. – તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે માય ભારત અને તેની વિવિધ પ્રવૃત્તિઓ અંગે બેઠક યોજાઈ હતી.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવા માટે યુવાનોની સક્રિય ભાગીદારી અત્યંત જરૂરી ગણાવતા જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ તાપી જિલ્લાના વધુને વધુ યુવાનો આ મંચ સાથે જોડાઈને પોતાના કૌશલ્ય અને સર્વાંગી વિકાસ સાધી શકે તે માટે કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી રચનાત્મક સૂચનો આપી યુવાનોને પ્રોત્સાહિત કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
જિલ્લા કલેક્ટરશ્રી ચૌધરીના માર્ગદર્શન હેઠળ માય ભારતના પ્રતિનિધિશ્રી અભિષેક ગાયકવાડે વિવિધ વિભાગોના ઉપસ્થિત અધિકારીઓ સમક્ષ ‘માય ભારત’ નો વિસ્તૃત પરિચય આપ્યો હતો. તેમણે સાંસ્કૃતિક, શૈક્ષણિક, પોષણ, ફિટનેસ, એક્સપોઝર વિઝિટ ઉપરાંત ‘વિશ્વ યોગ દિવસ’ અને ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન હેઠળ કરાયેલા વૃક્ષારોપણ વિશે માહિતી પૂરી પાડી હતી.
આ સાથે તેમણે વિદ્યાર્થીઓ અને યુવાનોમાં કૌશલ્ય વિકાસ તેમજ રાષ્ટ્ર નિર્માણ ક્ષેત્રે ‘માય ભારત’ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની વિગતવાર જાણકારી આપી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, જિલ્લા પોલીસ વડાશ્રી જે.એન.દેસાઈ, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બોરડ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
