આગામી તા.૩૦ ઓકટોબરે PM કિસાન ઉત્સવ તેમજ ૩૧ ઓકટોબરે રાષ્ટ્રિય એકતા દિવસની ભવ્ય ઉજવણી સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ
Contact News Publisher

વ્યારા ખાતે ૩૦ ઓકટોબરે સવારે ૧૦-૦૦ કલાકે PM કિસાન ઉત્સવ તેમજ ૩૧ ઓકટોબરે સરદાર વલ્લભભાઈ પટેલના ૧૫૧માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે સવારે ૬-૩૦ કલાકે રન ફોર યુનિટી અને સાંજે ૫-૦૦ કલાકે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે એકતા પરેડ રેલી સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો વ્યારા,સોનગઢ નગરપાલિકા સહિત ગ્રામ્ય કક્ષાએ યોજાશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૨૯- તાપી જિલ્લામાં તા.૩૦ ઓકટોબરે PM કિસાન ઉત્સવ તેમજ ૩૧ ઓકટોબરે રાષ્ટ્રિય એકતા દિવસની ભવ્ય ઉજવણી નિમિત્તે તાપી કલેકટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષ સ્થાને જિલ્લા પોલીસ વડા શ્રી જે.એન.દેસાઈની ઉપસ્થિતિમાં આજરોજ બપોરે ૧૨-૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી.
પત્રકાર પરિષદને સંબોધતા કલેકટરશ્રી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, ૩૦ ઓકટોબરે સવારે ૧૦-૦૦ કલાકે PM કિસાન ઉત્સવ નિમિત્તે તાપી જિલ્લાના ખેડૂતોને PM કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત ૨૪મો હપ્તો માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ઓનલાઈન લાભ અર્પણ થનાર છે. તાપી જિલ્લામાં વ્યારા (દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય) ખાતે મુખ્ય કાર્યક્રમ ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષશ્રી પૂર્ણેશ મોદીના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ, સંસદ સભ્ય, ધારાસભ્યો, સહિત પદાધિકારીઓ/વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. તેમજ જિલ્લા પંચાયતની ૨૬ સીટ ઉપર મહાનુભાવોની ઉપસ્થિતિમાં બે-બે ગામોમાં બાવન કાર્યક્રમો મળીને કુલ ૫૩ કાર્યક્રમો યોજાશે. તમામ સ્થળોએ બનાસકાંઠાથી વડાપ્રધાનશ્રીના લાઈવ કાર્યક્રમનું પ્રસારણ કરાશે. આ પ્રસંગે લાભાર્થી ખેડૂતો પ્રાકૃતિક ખેડૂતો,સહકારી આગેવાનો સહિત આમજનતાને સહભાગી થવા કલેકટરશ્રી ચૌધરીએ અનુરોધ કર્યો હતો.
વધુમાં સરદાર વલ્લભભાઈ પટેલના ૧૫૧માં જન્મદિવસ ની ઉજવણી નિમિત્તે ૩૧ ઓકટોબરે સવારે ૬-૩૦ કલાકે જિલ્લા સેવાસદન થી રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાશે જેમાં નગરજનો સહિત યુવાન-ભાઈઓ બહેનો,પોલીસ વિભાગ,વનવિભાગ સહિત આમજનતા જનભાગીદારી નોંધાવશે. જે બે કિ.મી.ના અંતરે સયાજી ગ્રાઉન્ડ,વ્યારા ખાતે સમાપન થશે. સાંજે ૫-૦૦ કલાકે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે એકતા પરેડ રેલી સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો વ્યારા નગરપાલિકા,સોનગઢ નગરપાલિકા સહિત ગ્રામ્ય કક્ષાએ પણ યોજાશે જેમાં યુવાનો,નગરજનો સહિત તમામ ગ્રામજનો ઉપસ્થિત રહી વડાપ્રધાનશ્રીના એકતાનગર-નર્મદાથી લાઈવ કાર્યક્રમ પ્રસારણ નિહાળશે. તાપી જિલ્લા ના તમામ નાગરિકો ઉત્સાહભેર કાર્યક્રમમાં જોડાય અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કલેકટરશ્રી દેવ ચૌધરીએ અપીલ કરી છે.
તાપી જિલ્લાના ૩૦ અને ૩૧ ઓકટોબરે વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાનાર ભવ્ય કાર્યક્રમ નિર્વિજ્ઞે પાર પડે તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈપણ સમૂહ કે નાગરિક દ્વારા કોઈ અડચણ ઉભી કરાશે તો તેની સામે પ્રશાસન દ્વારા કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરાશે એમ પણ કલેકટરશ્રી દેવ ચૌધરીએ કહ્યું હતું.
●●●
