ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા ડોલવણના ધાંગધર એપ્રોચ રોડ/કોઝવેનું યુદ્ધધોરણે રીપેરિંગ કામગીરી પૂર્ણ

વાહનવ્યવહાર અને રાહદારીઓ માટે માર્ગ પુનઃ કાર્યરત
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૫ :- તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને નદી/નાળામાં આવેલ પૂરના પાણીના પ્રવાહને કારણે ડોલવણ તાલુકાના ધાંગધર ખાતે આવેલો એપ્રોચ રોડ/કોઝવે ક્ષતિગ્રસ્ત થયો હતો.
રોડનું ધોવાણ થવાથી સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોની અવરજવર માટે ભારે મુશ્કેલી ઊભી થઈ હતી તથા સુરક્ષાના કારણોસર વાહનવ્યવહાર ખોરવાયો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તંત્ર આરએનબી પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે સ્થળ પર જેસીબી મશીનરી તથા જરૂરી સામગ્રી અને ટીમ તૈનાત કરવામાં આવી હતી.
માત્ર થોડા જ કલાકોની સઘન અને યુદ્ધધોરણે હાથ ધરાયેલી કામગીરી બાદ, ધોવાઈ ગયેલા રોડનું પૂરાણ અને રીપેરિંગ કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.
માર્ગનું સમારકામ પૂર્ણ થતાં જ સ્થાનિક રહીશો અને વાહનચાલકો માટે રસ્તો ફરીથી સલામત રીતે શરૂ કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા નાગરિકોની સુવિધા અને સુરક્ષાને પ્રાધાન્ય આપીને કરવામાં આવેલી આ ઝડપી કામગીરી બદલ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અને આભાર વ્યક્ત કર્યો હતો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
