અભયમ 181ની સમયસર કામગીરીથી રસ્તો ભૂલાયેલી સગીરા સુરક્ષિત રીતે પરિવારને સોંપાઈ

આધાર કાર્ડના આધારે પરિવારને શોધી બાળ મજૂરી પ્રતિબંધ કાયદા અને કિશોર ન્યાય અધિનિયમ અંગે માર્ગદર્શન અપાયું
(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૨૧. સુરત શહેરમાં એક જાગૃત નાગરિક દ્વારા અભયમ 181 મહિલા હેલ્પલાઇન પર જાણ કરવામાં આવી હતી કે અંદાજે 17 વર્ષની એક સગીરા રસ્તો ભૂલી ગઈ છે અને અસહાય સ્થિતિમાં મળી આવી છે. માહિતી મળતા જ અભયમ 181 મહિલા હેલ્પલાઇનની કતારગામ રેસ્ક્યુ વાનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી સગીરાને સુરક્ષિત સંરક્ષણ હેઠળ લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
અભયમ 181ની મહિલા કાઉન્સેલર દ્વારા સગીરાનું વિશ્વાસપૂર્વક કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. વાતચીત દરમિયાન સગીરાએ જણાવ્યું હતું કે તે મૂળ બિહાર રાજ્યની વતની છે અને છેલ્લા એક મહિનાથી સુરતમાં પોતાના મોટા પિતા અને મોટા મમ્મી સાથે રહે છે. છેલ્લા એક અઠવાડિયાથી તે પોતાની બહેન સાથે હીરાના કારખાનામાં જતી હતી. ઘટનાના દિવસે તે એકલી જ ઘરેથી કામ પર જવા નીકળી હતી, પરંતુ રસ્તો ભૂલી જતાં કામના સ્થળે તેમજ પોતાના રહેઠાણે પહોંચી શકી નહોતી. તેની પાસે મોબાઇલ ફોન ન હોવાથી તેમજ કોઈ સ્વજનનો સંપર્ક નંબર યાદ ન હોવાથી તે પરિવારનો સંપર્ક કરી શકી નહોતી.
અભયમ 181ની ટીમે ધીરજપૂર્વક પૂછપરછ દરમિયાન સગીરા પાસે રહેલું તેની બહેનનું આધાર કાર્ડ તપાસ્યું. આધાર કાર્ડમાં દર્શાવેલા સરનામાના આધારે ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સગીરાના મોટા પિતા અને મોટા મમ્મીનો સંપર્ક થતાં સગીરાને સુરક્ષિત રીતે પરિવાર સાથે મિલાવવામાં આવી હતી.
પરિવારજનોએ જણાવ્યું હતું કે તેઓ સગીરાને કામ પર જવાની ના પાડતા હતા, છતાં તે પોતાની બહેન સાથે હીરાના કારખાનામાં જતી હતી. ઘટનાના દિવસે સગીરા વહેલી નીકળી જતાં રસ્તો ભૂલી ગઈ હતી, જ્યારે બહેન કામના સ્થળે પહોંચ્યા બાદ સગીરા ન આવી હોવાનું જણાતા પરિવારજનોએ પણ તેની શોધખોળ શરૂ કરી હતી.
અભયમ 181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા પરિવારનું કાઉન્સેલિંગ કરી બાળ અને કિશોર મજૂરી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને કિશોરોને જોખમી વ્યવસાયોમાં કામે રાખવું કાયદેસર ગુનો છે તેમજ બાળકોના શિક્ષણ, સુરક્ષા અને સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપવી દરેક વાલી અને પરિવારની જવાબદારી છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સાથે જ કિશોર ન્યાય (બાળકોની સંભાળ અને સંરક્ષણ) અધિનિયમ હેઠળ દરેક બાળકને સુરક્ષા, સંભાળ, શિક્ષણ અને વિકાસનો અધિકાર પ્રાપ્ત છે તે અંગે પણ પરિવારને માહિતગાર કરવામાં આવ્યા હતા. ભવિષ્યમાં સગીરાને કોઈપણ પ્રકારની મજૂરીમાં ન મોકલી તેના શિક્ષણ અને સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવા સમજ આપવામાં આવી હતી.
સમગ્ર ઘટનાની ચકાસણી, જરૂરી કાઉન્સેલિંગ અને કાયદાકીય માર્ગદર્શન પૂર્ણ કર્યા બાદ સગીરાને તેના મોટા પિતા અને મોટા મમ્મીના સુરક્ષિત હવાલે સોંપવામાં આવી હતી.
અભયમ 181 મહિલા હેલ્પલાઇન દ્વારા ફરી એકવાર સમયસર પ્રતિસાદ, સંવેદનશીલ અભિગમ, અસરકારક કાઉન્સેલિંગ અને કાયદાકીય માર્ગદર્શન દ્વારા રસ્તો ભૂલાયેલી એક સગીરાને સુરક્ષિત રીતે તેના પરિવાર સુધી પહોંચાડી સમાજ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સફળતાપૂર્વક નિભાવી છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
