વર્ષોની નોકરી અને આત્મસન્માનનો સવાલ : ફરજિયાત ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટનાં વિરોધમાં રાજ્યભરમાંથી સારસ્વતો ગાંધીનગર પહોંચ્યા

ચોક, ડસ્ટર, પુસ્તક અને કલમ પકડનારાઓનાં હાથોમાં વિરોધનાં બેનરો જોઈને સામાન્ય નાગરિકો પણ વિચારતા થયા
TET મુક્તિ બાબતે રાજ્ય સરકારે જરૂર જણાય તો નામદાર સુપ્રિમ કોર્ટ સમક્ષ યોગ્ય રજૂઆત કરીને શિક્ષકોને રાહત અપાવવી જ જોઈએ તેવી માંગણી ઉઠવા પામી
ધરણાં કાર્યક્રમ દરમિયાન શિક્ષકોની એકતા અને શિસ્તબદ્ધ ઉપસ્થિતિ સૌનાં ધ્યાનનું કેન્દ્ર બની હતી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :તા. ૧૩. શિક્ષકો પર થોપવામાં આવેલી ફરજિયાત TET (ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ) પરીક્ષાનાં અન્યાયી આદેશનાં વિરોધમાં સમગ્ર રાજ્યનાં ખૂણે-ખૂણેથી હજારોની સંખ્યામાં શિક્ષક ભાઈ-બહેનો ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે ઉમટી પડ્યાં હતાં. પોતાની વર્ષોની નોકરી અને આત્મસન્માન બચાવવા માટે શિક્ષકોએ હવે સરકાર સામે સીધું યુદ્ધ છેડી દીધું છે. આંદોલનકારી શિક્ષકોની મુખ્ય અને સ્પષ્ટ માંગણી છે કે, વર્ષ 2010 પહેલાં જે શિક્ષકો ભરતી થયા છે અને દાયકાઓથી શિક્ષણ ક્ષેત્રે પોતાનું લોહી અને પરસેવો વહાવી રહ્યાં છે, તેમને આ ફરજિયાત TET પરીક્ષામાંથી તાત્કાલિક મુક્તિ આપવામાં આવે. શિક્ષકોએ રોષે ભરાઈને સવાલ ઉઠાવ્યો છે કે જેઓ છેલ્લાં 20 થી 25 વર્ષથી સફળતાપૂર્વક ભાવિ નાગરિકો ઘડી રહ્યા છે, તેમની યોગ્યતા સાબિત કરવા માટે હવે આ ઉંમરે પરીક્ષા આપવાની જબરદસ્તી કેમ? આ નીતિ અતાર્કિક નથી, પરંતુ વર્ષોથી સેવા આપતા વરિષ્ઠ શિક્ષકોનું અપમાન છે. સુપ્રિમ કોર્ટનાં તાજેતરનાં ચુકાદા બાદ શિક્ષકોમાં નારાજગી ફેલાઈ છે અને તેનાં વિરોધમાં આ રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. અરવલ્લી થી ડાંગ, દેવભૂમિ દ્વારિકા થી દાહોદ, કચ્છ થી લઈ ભાવનગર અમદાવાદ, સુરત સહિત રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા હતાં. આ તકે શિક્ષકોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો અને પોતાની માંગણીઓ તાત્કાલિક સ્વીકારવાની માંગ કરી હતી.
ધરણાં સ્થળેથી શિક્ષક સંગઠનોએ સરકારને અત્યંત જોરદાર અને ધારદાર ચેતવણી આપી છે કે આ માત્ર ટ્રેલર છે. જો સરકાર પોતાની હઠ છોડીને 2010 પહેલાનાં શિક્ષકોની ન્યાયી માંગણીઓ સંતોષવામાં નિષ્ફળ રહેશે, તો આગામી દિવસોમાં આ આંદોલન ગુજરાત પૂરતું સીમિત નહીં રહે. શિક્ષકોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે તેઓ પોતાનાં હક માટે દિલ્હી સુધી કૂચ કરશે અને કેન્દ્ર સરકારનાં બારણાં ખખડાવશે. સદર ધરણાં કાર્યક્રમમાં કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલ તથા મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીનાં વડપણ હેઠળ સુરત જિલ્લામાંથી પણ અપેક્ષા કરતાં મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ-બહેનોએ જોડાઈને પોતાનો વિરોધનો સૂર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મંચ પર બિરાજમાન તમામ જિલ્લાનાં પ્રમુખો તથા સાથી સંગઠન મંડળોનાં હોદ્દેદારોએ સરકારશ્રીને ઉદ્દેશીને શિક્ષકોની વિવિધ માંગણીઓ સંદર્ભે ધારદાર વક્તવ્ય રજૂ કર્યુ હતું. હજારોની સંખ્યામાં ઉપસ્થિત શિક્ષક ભાઈ-બહેનોએ તાળીઓનાં ગડગડાટથી તેને અનુમોદન આપ્યું હતું. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
શિક્ષકોની મુખ્ય માંગણીઓમાં વર્ષ 2010 પહેલાં નિયુક્ત થયેલ તમામ શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગનો સમાવેશ થાય છે. એપ્રિલ 2005 બાદ ભરતી થયેલ શિક્ષકોને OPS નો લાભ આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. ધોરણ 6 થી 8 નાં શિક્ષકોને અલગ ગ્રેડ પે આપવામાં આવે તેમજ HTAT આચાર્યોને સોંપવામાં આવેલ વધારાનાં શાળાનાં ચાર્જનો નિર્ણય પરત ખેંચવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા તેમની લાંબા સમયથી પડતર રહેલી માંગણીઓ અંગે કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. જરૂર પડે તો આ લડતને દિલ્હી સુધી લઈ જવામાં આવશે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
