પરિવારથી વિખૂટા પડેલા બાળકને ચાઇલ્ડ હેલ્પલાઇન 1098એ આપી સુરક્ષિત સંભાળ

સુરત રેલવે સ્ટેશન પરથી મળેલી માહિતીના આધારે 1098ની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળકને હૂંફભર્યું કાઉન્સેલિંગ આપી, RPFના સંકલનથી જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી અને નિયત પ્રક્રિયા મુજબ બાળ સંભાળ સંસ્થામાં સુરક્ષિત રીતે મોકલ્યું.
(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૧૨. તા. 12/07/2026ના રોજ ચાઇલ્ડ હેલ્પલાઇન-1098ને સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 1 પર એક બાળક એકલું જોવા મળ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. માહિતી મળતાની સાથે જ ચાઇલ્ડ હેલ્પલાઇન-1098ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળકને સુરક્ષિત સ્થળે લઈ જઈ તેની સલામતી સુનિશ્ચિત કરી અને જરૂરી પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી.
ચાઇલ્ડ હેલ્પલાઇન-1098ની ટીમ દ્વારા બાળકને સૌપ્રથમ હૂંફ, વિશ્વાસ અને સુરક્ષાની લાગણી મળે તે રીતે સંવેદનશીલ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. બાળકની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને શાંતિપૂર્વક વાતચીત કરવામાં આવતાં જાણવા મળ્યું કે મુસાફરી દરમિયાન ભારે ભીડના કારણે બાળક અજાણતાં પોતાના પરિવારથી વિખૂટું પડી ગયું હતું અને સુરત રેલવે સ્ટેશન પર એકલું પહોંચી ગયું હતું. બાળક પાસે પરિવારજનોનો કોઈ સંપર્ક નંબર ઉપલબ્ધ ન હોવાથી તાત્કાલિક પરિવારનો સંપર્ક સ્થાપિત થઈ શક્યો નહોતો.
પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ બાળકની સલામતી અને શ્રેષ્ઠ હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને ચાઇલ્ડ હેલ્પલાઇન-1098ની ટીમે RPF સાથે સંકલન સાધી બાળકનું જરૂરી તબીબી પરીક્ષણ કરાવ્યું હતું. ત્યારબાદ નિયત પ્રક્રિયાનું પાલન કરી બાળકને સુરક્ષિત સંભાળ અને આગળની કાર્યવાહી માટે સંબંધિત બાળ સંભાળ સંસ્થામાં સુરક્ષિત રીતે મોકલવામાં આવ્યું.
સમગ્ર પ્રક્રિયા દરમિયાન ચાઇલ્ડ હેલ્પલાઇન-1098ની ટીમે બાળકને સતત ભાવનાત્મક આધાર, કાઉન્સેલિંગ, જરૂરી માર્ગદર્શન અને સુરક્ષા પૂરી પાડી હતી. સાથે જ બાળકના પરિવારનો સંપર્ક સ્થાપિત થાય અને બાળકનું સુરક્ષિત પુનઃમિલન થઈ શકે તે માટે સંબંધિત સત્તાધિકારીઓ સાથે જરૂરી સંકલન અને અનુસંધાનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ચાઇલ્ડ હેલ્પલાઇન-1098 નાગરિકોને અપીલ કરે છે કે કોઈપણ બાળક મુશ્કેલીમાં, પરિવારથી વિખૂટું પડેલું, એકલું અથવા સંરક્ષણની જરૂરિયાત ધરાવતું જણાય તો વિલંબ કર્યા વિના 1098 પર જાણ કરે. સમયસર આપવામાં આવેલી માહિતી બાળકને સુરક્ષા, સંરક્ષણ અને જરૂરી સહાય પહોંચાડવામાં અત્યંત મહત્વની સાબિત થાય છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
