નિરાધાર વૃદ્ધાને સુરક્ષિત આશ્રય અપાવી સંવેદનશીલ અને સમયસર કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી 181 મહિલા હેલ્પલાઇન

0
નિરાધાર વૃદ્ધાને સુરક્ષિત આશ્રય અપાવી સંવેદનશીલ અને સમયસર કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી 181 મહિલા હેલ્પલાઇન
Contact News Publisher

ડિંડોલીમાં પાંચ દિવસથી ફૂટપાથ પર રહેવા મજબૂર વૃદ્ધાની જાણ મળતા જ 181 મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી, કાઉન્સેલિંગ, સંકલન અને સુરક્ષિત આશ્રયની વ્યવસ્થા કરી

 

(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૧૧. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં એક નિરાધાર વૃદ્ધ મહિલા છેલ્લા કેટલાક દિવસોથી ફૂટપાથ પર રહેવા મજબૂર હોવાની જાણ એક જાગૃત નાગરિક દ્વારા 181 મહિલા હેલ્પલાઇન પર કરવામાં આવી હતી. માહિતી મળતા જ 181 મહિલા હેલ્પલાઇન, કતારગામ રેસ્ક્યૂ ટીમે ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી પીડિતાની સુરક્ષા સુનિશ્ચિત કરી અને જરૂરી સહાયની પ્રક્રિયા શરૂ કરી હતી.

ટીમ દ્વારા વૃદ્ધા સાથે સંવેદનશીલતાપૂર્વક વાતચીત કરી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. પીડિતાના જણાવ્યા મુજબ તેઓ મૂળ બિહાર રાજ્યના રહેવાસી છે અને આશરે છ દિવસ અગાઉ પોતાના પુત્ર અને પુત્રવધૂને મળવા સુરત આવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક દિવસ સુધી તેમની સાથે રહ્યા બાદ તેમને ઘરેથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા, જેના કારણે તેઓ છેલ્લા પાંચ દિવસથી ફૂટપાથ પર રહેવા મજબૂર બન્યા હતા.

વધુ પૂછપરછ દરમિયાન પીડિતાએ જણાવ્યું હતું કે બિહારથી સુરત આવતી વખતે ટ્રેનમાં તેમનો સામાન તથા રોકડ રકમ ચોરી થઈ ગઈ હતી. ઉપરાંત તેમની પાસે પુત્ર, પુત્રવધૂ અથવા અન્ય કોઈ સગા-સંબંધીઓનો સંપર્ક નંબર ઉપલબ્ધ ન હતો તેમજ સુરતમાં તેમના નિવાસનું સરનામું પણ યાદ ન હોવાથી તેમનો સંપર્ક સાધવો શક્ય બન્યો ન હતો.

પીડિતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 181 મહિલા હેલ્પલાઇનની ટીમે તાત્કાલિક જરૂરી કાઉન્સેલિંગ, ભાવનાત્મક આધાર અને સંબંધિત સંસ્થાઓ સાથે અસરકારક સંકલન કર્યું. પીડિતાને કોઈપણ પ્રકારની અસુરક્ષિત પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે સખી વન સ્ટોપ સેન્ટર, સુરત સાથે સંકલન કરી ત્યાં સુરક્ષિત આશ્રયની વ્યવસ્થા કરવામાં આવી.

181 મહિલા હેલ્પલાઇન માત્ર ઇમરજન્સી પ્રતિસાદ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સંકટગ્રસ્ત મહિલાઓને બચાવ, કાઉન્સેલિંગ, કાયદાકીય માર્ગદર્શન, આશ્રય અને વિવિધ સરકારી તથા બિનસરકારી સંસ્થાઓ સાથે સંકલન દ્વારા જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવા માટે 24×7 કાર્યરત છે. કોઈપણ મહિલા મુશ્કેલીમાં હોય અથવા કોઈ જાગૃત નાગરિકને આવી પરિસ્થિતિ અંગે જાણ થાય તો તેઓ નિઃશુલ્ક 181 મહિલા હેલ્પલાઇન પર સંપર્ક કરી તાત્કાલિક સહાય મેળવી શકે છે

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other