તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ વ્યારાના કાટકુઈ ગામની મુલાકાત લીધી

વિકાસ કાર્યોની સમીક્ષા કરી શાળા-આંગણવાડીઓનું નિરીક્ષણ કર્યું
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 01. – તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ બુધવારે વ્યારા તાલુકાના કાટકુઈ ગામની મુલાકાત લીધી હતી. મુલાકાતના પ્રારંભે કલેક્ટરશ્રીએ ગામના સરપંચશ્રી અને તલાટીશ્રીની ઉપસ્થિતિમાં સ્થાનિક ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. આ બેઠક દરમિયાન તેમણે તલાટી પાસેથી છેલ્લા પાંચ વર્ષમાં ગામમાં થયેલા વિવિધ વિકાસ કાર્યોની ઝીણવટભરી માહિતી મેળવી હતી, તેમજ ગ્રામજનોને રૂબરૂ મળીને તેમના કોઈ પણ પ્રશ્નો, વહીવટી સમસ્યાઓ કે રજૂઆતો અંગે વિગતવાર ચર્ચા કરી હતી.
અંદાજે હજાર જેટલી વસ્તી ધરાવતા અને મુખ્યત્વે ગામીત, ચૌધરી તેમજ ભીલ સમુદાયની વસ્તીવાળા આ ગામમાં પાયાની સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ ગામની ત્રણેય આંગણવાડી કેન્દ્રોની આકસ્મિક મુલાકાત લઈ પરિસર, રસોડું, બાળકોની હાજરી, નિયમિત દૂધ વિતરણ અને સરકારી રજીસ્ટરોની ચકાસણી કરી હતી. તેમણે બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકારી યોજનાઓ અને સુવિધાઓ છેવાડાના બાળક સુધી અનિવાર્યપણે પહોંચે તે સુનિશ્ચિત કરવા અંગે તાકીદ કરી હતી.
નોંધનીય છે કે, મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ દૂધ સંજીવની યોજનાની સુદ્રઢ અમલવારી અંગે સમીક્ષા કરી હતી. યોજનામાં જોવા મળેલી ક્ષતિઓ અંગે કલેક્ટરશ્રીએ આંગણવાડી સુપરવાઈઝર અને આંગણવાડી કાર્યકર બહેનોને ત્વરિત નોટિસ પાઠવી તપાસના આદેશો આપ્યા હતા, જેથી બાળકોને ગુણવત્તાયુક્ત પોષણનો લાભ નિયમિત મળી રહે.
ગ્રામ્ય મુલાકાતના અંતિમ ચરણમાં કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ નવનિર્મિત પટેલ ફળિયા પ્રાથમિક શાળા કાટકુઈનું નિરીક્ષણ કર્યું હતું. વધુમાં તેમણે કાટકુઈ પ્રાથમિક શાળાની મુલાકાત લઈને શાળાના વિદ્યાર્થીઓ સાથે સમય પસાર કરી સાહજિક સંવાદ કર્યો હતો. શાળાની ભૌતિક સુવિધાઓની ચકાસણી કર્યા બાદ, તેમણે બાળકોના શૈક્ષણિક સ્તરને ચકાસવા માટે તેમના વાંચન, લેખન અને ગણન કૌશલ્યને પ્રત્યક્ષ નિહાળ્યું હતું. બાળકોના ઉત્સાહ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ કાર્યથી સંતુષ્ટ થઈને કલેક્ટરશ્રીએ શાળાના મુખ્યશિક્ષકની પ્રશંસનીય કામગીરીની પ્રશંસા કરી હતી.
કલેક્ટરશ્રી દેવ ચૌધરીની ગ્રામ્ય મુલાકાત દરમિયાન મામલતદારશ્રી મનીષભાઈ ભોય અને તાલુકા વિકાસ અધિકારીશ્રી જોડાયા હતા.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
