“શાબાશ જયદીપ” : કલેક્ટર સાહેબના આ શબ્દોથી કાટકુઈના વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ વધ્યો

તાપી કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ કાટકુઈ પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શિક્ષણની ગુણવત્તાનું નિરીક્ષણ કર્યું
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧. :- સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને શિક્ષણની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવાના હેતુથી તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ કાટકુઈ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. તેમણે શાળાના વર્ગખંડો, શૈક્ષણિક સુવિધાઓ અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું.
કલેક્ટરશ્રીની વર્ગખંડમાં અચાનક થયેલી ઉપસ્થિતિથી બાળકોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. તેમના સરળ અને લાગણીસભર વ્યવહારે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધાર્યો હતો.
મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીઓને પોતાની પાસે બોલાવી તેમના વાંચન, લેખન અને ગણન કૌશલ્યની ચકાસણી કરી હતી. તેમણે બાળકો સાથે હળવાશભર્યો સંવાદ સાધી અભ્યાસ પ્રત્યે રસ અને આત્મવિશ્વાસ વધારવા પ્રોત્સાહન આપ્યું હતું.
આ દરમિયાન ધોરણ-૫માં અભ્યાસ કરતા જયદીપ ગામીતનો વારો આવ્યો. શરૂઆતમાં મોટા સાહેબ સામે આવતાં જયદીપ થોડો સંકોચાયો હતો, પરંતુ કલેક્ટરશ્રીએ હેતપૂર્વક તેના હાથમાં પુસ્તક આપી મોટેથી વાંચવા પ્રેરિત કર્યો હતો. જયદીપે પણ આત્મવિશ્વાસ સાથે ઝડપથી અને સ્પષ્ટ અવાજે આખું પાનું વાંચી સંભળાવ્યું હતું.
આ અનુભવ અંગે જયદીપે જણાવ્યું હતું કે, સાહેબે ખૂબ જ વહાલથી મારા હાથમાં ચોપડી આપી અને મોટેથી વાંચવા કહ્યું હતું. મેં આખું પાનું વાંચી સંભળાવ્યું ત્યારે સાહેબે મારી પીઠ થાબડીને ‘શાબાશ જયદીપ’ કહ્યું, જેનાથી મને ખૂબ આનંદ થયો.
કલેક્ટરશ્રીએ શાળાના અન્ય વિદ્યાર્થીઓનું પણ શૈક્ષણિક જ્ઞાન ચકાસ્યું હતું. બાળકોએ નિર્ભયતાથી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. મળેલા પ્રોત્સાહનથી વિદ્યાર્થીઓમાં ભણતર પ્રત્યે વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો.
તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે અને કોઈપણ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. આ દિશામાં “સક્ષમ ૧.૦” કાર્યક્રમ અંતર્ગત શાળાઓની કામગીરીનું નિયમિત મૂલ્યાંકન, રેન્કિંગ, ગુણવત્તા સુધારણા અને શૈક્ષણિક વિકાસ માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
આલેખન – રોશન સાવંત
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
