તાપી જિલ્લામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કમાલછોડ ગામેથી પ્રારંભ કરાવતા રાજ્યમંત્રી ડૉ. કમલેશભાઈ પટેલ

0
તાપી જિલ્લામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કમાલછોડ ગામેથી પ્રારંભ કરાવતા રાજ્યમંત્રી ડૉ. કમલેશભાઈ પટેલ
Contact News Publisher

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવથી શિક્ષણ ક્ષેત્રે ગુણાત્મક પરિવર્તન આવ્યું છે : નાણાં રાજ્યમંત્રી ડૉ. કમલેશભાઈ પટેલ

નવા પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

ટ્રાફિક નિયમોના પાલનની શપથ સાથે શાળા વિકાસ અંગે SMC સાથે બેઠકમાં ચર્ચા કરાઇ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા. ૨૩ :- રાજ્યભરમાં શિક્ષણના વ્યાપ અને ગુણવત્તાને વેગ આપવા માટે શરૂ કરાયેલા ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ વર્ષ ૨૦૨૬-૨૭’ અંતર્ગત તાપી જિલ્લામાં ત્રિ-દિવસીય ઉજવણીનો પ્રારંભ આજે વાલોડ તાલુકાના કમાલછોડ ગામેથી રાજ્યના નાણા રાજ્યમંત્રી ડૉ. કમલેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. શિક્ષણના વ્યાપને વિસ્તૃત કરવા, કન્યા શિક્ષણને વધુ પ્રોત્સાહન આપવા તેમજ દરેક બાળકને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાના ઉદ્દેશ્યથી આયોજિત આ મહોત્સવમાં નવપ્રવેશી બાળકોનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

વાલોડ તાલુકાની કમાલછોડ મુખ્ય પ્રાથમિક શાળા (પીએમશ્રી) ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના નાણા રાજ્યમંત્રી ડૉ. કમલેશભાઈ પટેલે સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ બાળવાટિકામાં પ્રવેશ મેળવનાર ૧૪ તથા ધોરણ-૧માં પ્રવેશ મેળવનાર ૫ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી મોં મીઠું કરાવી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.

વાલોડ તાલુકાની કમાલછોડ મુખ્ય પ્રાથમિક શાળા (પીએમશ્રી) ખાતે યોજાયેલા કાર્યક્રમ ઉપરાંત આર.વી. પટેલ હાઈસ્કૂલ, કમાલછોડ તથા સ.ગો. હાઈસ્કૂલ, વાલોડ ખાતે પણ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો યોજાયા હતા. આર.વી. પટેલ હાઈસ્કૂલ, કમાલછોડમાં ધોરણ-૯ અને ૧૧ માં અનુક્રમે ૧૮૦ અને ૧૨૨ વિદ્યાર્થીઓને તથા સ.ગો. હાઈસ્કૂલ, વાલોડમાં ધોરણ-૯ અને ૧૧માં અનુક્રમે ૧૫૬ અને ૯૪ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. ત્રણેય શાળાઓમાં મંત્રીશ્રી વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કાર્યક્રમને સંબોધતા નાણા રાજ્યમંત્રી ડૉ. કમલેશભાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩ માં ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’ જેવા ઐતિહાસિક અભિયાનની શરૂઆત કરીને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનની દિશા નિર્ધારિત કરી હતી. આ અભિયાનના પરિણામે રાજ્યમાં બાળકોનો ડ્રોપઆઉટ રેશિયો નોંધપાત્ર રીતે ઘટ્યો છે અને શિક્ષણ ક્ષેત્રે ગુણાત્મક પરિવર્તન આવ્યું છે.

વધુમાં તેમણે ઉમેર્યું કે, હાલના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર શિક્ષણના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસશીલ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)ના અમલીકરણ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે અને શિક્ષકો શ્રેષ્ઠ સમાજના ઘડવૈયા તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ દેશે વિકાસ અને જનકલ્યાણના ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિઓનો ઉલ્લેખ કરી વિવિધ લોકોપયોગી અને કલ્યાણકારી યોજનાઓ અંગે પણ માહિતી આપી હતી.

કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનારા તથા સર્વાધિક હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ‘જ્ઞાન સેતુ’, ‘NMMS’, ‘જ્ઞાન સાધના’ સ્કોલરશિપ યોજના અને ‘કલામહોત્સવ’માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાના હેતુથી ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ઉપસ્થિત મહાનુભાવોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવા, માર્ગ અકસ્માતો નિવારવા માટે સજાગ રહેવા તથા જવાબદાર નાગરિક તરીકે ફરજો નિભાવવા શપથ ગ્રહણ કરી હતી.

પ્રવેશોત્સવ બાદ નાણા રાજ્યમંત્રી ડૉ. કમલેશભાઈ પટેલે શાળા પરિસરની મુલાકાત લઈ સ્વચ્છતા, સ્માર્ટ ક્લાસરૂમ, લાઇબ્રેરી, વર્ગખંડો, મધ્યાહ્ન ભોજન સહિતની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ સાથે આત્મીયતાપૂર્વક સંવાદ સાધી તેમની વચ્ચે બેસીને શાળામાં તૈયાર કરવામાં આવેલ મધ્યાહ્ન ભોજનનો આસ્વાદ પણ માણ્યો હતો.

ત્યારબાદ શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના સભ્યો સાથે બેઠક યોજી શાળાના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ગુણવત્તામાં વધારો અને વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા કક્ષાના પદાધિકારીઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષકો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, વાલીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

૦૦૦

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *