એન્જિનિયરિંગની કારકિર્દી છોડી વ્યારાના અંજનાબેને મશરૂમની વૈજ્ઞાનિક ખેતી અપનાવી

0
એન્જિનિયરિંગની કારકિર્દી છોડી વ્યારાના અંજનાબેને મશરૂમની વૈજ્ઞાનિક ખેતી અપનાવી
Contact News Publisher

૧૦૦ ચોરસ ફૂટથી શરૂ થયેલી પહેલ આજે બની ૧૯ પરિવારોની આજીવિકાનો આધાર

નાની ચીખલીના અંજનાબેને સરકારી સહાય-સબસીડીના જોરે બંધ ઓરડામાં ઉગાડ્યું આર્થિક સ્વાવલંબનનું સોનું

ઓટોમેટિક ફોગર સિસ્ટમથી મશરૂમની હાઈટેક ખેતી કરતી તાપીની સિવિલ એન્જિનિયર યુવતી

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 13 :- સામાન્ય રીતે સિવિલ એન્જિનિયરિંગનો ડિપ્લોમા પૂર્ણ કર્યા પછી યુવાઓ કન્સ્ટ્રક્શન કંપનીઓ, તે જ ક્ષેત્રે પોતાનો વ્યવસાય, સરકારી તથા ખાનગી નોકરી તરફ વળે છે. પરંતુ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના નાની ચીખલી ગામની અંજનાબેન ગામિતે એક અલગ જ રસ્તો પસંદ કર્યો. કન્સ્ટ્રક્શન સાઇટ પર કારકિર્દી બનાવવાને બદલે તેમણે કૃષિ ક્ષેત્રમાં ઉદ્યોગસાહસિક બનવાનું નક્કી કર્યું અને આજે ઓઇસ્ટર મશરૂમની વૈજ્ઞાનિક ખેતી દ્વારા તેઓ માત્ર આત્મનિર્ભર જ નથી બન્યા, પરંતુ ૧૯ પરિવારોને રોજગારી પણ આપી રહ્યા છે.

એન્જિનિયરિંગની કારકિર્દી છોડી વ્યારાના અંજનાબેને મશરૂમની વૈજ્ઞાનિક ખેતી અપનાવી

માધ્યમો સાથેના સંવાદમાં અંજનાબેન ગામીતે જણાવ્યુ કે, ભણી લીધા પછી મારી સામે પણ સરકારી કે પ્રાઇવેટ નોકરી મેળવવાનો આસાન વિકલ્પ હતો. પણ મને અંદરથી હંમેશા થતું કે નોકરી મેળવનાર કેમ બનવું? આ જ વિચાર સાથે મેં વ્યારા સ્થિત ‘કૃષિ વિજ્ઞાન કેન્દ્ર’ ની મુલાકાત લીધી અને ત્યાં મશરૂમની વૈજ્ઞાનિક ખેતીની પ્રોફેશનલ ટ્રેનિંગ લીધી. બસ, આ એક તાલીમે મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈને મારી વિચારવાની દિશા બદલી નાખી.

આજે અંજનાબેન ઓઇસ્ટર મશરૂમની વૈજ્ઞાનિક ખેતી દ્વારા માત્ર પોતે જ આત્મનિર્ભર નથી બન્યા, પરંતુ ૧૯ પરિવારોને ગૌરવપૂર્ણ રોજગારી પણ આપી રહ્યા છે. વર્ષ ૨૦૧૭ માં માત્ર ૧૦૦ ચોરસ ફૂટની નાનકડી જગ્યામાં શરૂ થયેલો આ પ્રયોગ, નવ વર્ષની અવિરત મહેનત અને નવીન વિચારસરણીના જોરે આજે ૬,૦૦૦ ચોરસ ફૂટના આધુનિક હાઈટેક એકમમાં પરિવર્તિત થઈ ચૂક્યો છે.

જો તમે અંજનાબેનના આ ૬,૦૦૦ ચોરસ ફૂટના આધુનિક ઓરડામાં પ્રવેશો, તો તમને કોઈ પારંપરિક ખેતર નહીં, પરંતુ કોઈ હાઈટેક વૈજ્ઞાનિક પ્રયોગશાળા અને કુદરતનો અદભુત સંગમ જોવા મળે.

ઓરડામાં પદ્ધતિસર લાઈનબદ્ધ રીતે મશરૂમ બેગ્સ હવામાં લટકાવેલી દેખાય છે, જે કોઈ સ્પેસ સ્ટેશનના મોડ્યુલ જેવી લાગે છે.

શરૂઆતના ૧૫ થી ૧૮ દિવસ અંધારામાં રહ્યા પછી, જ્યારે આ બેગ્સ દૂધ જેવી સફેદ ચાદર ઓઢી લે છે, ત્યારે રૂમનો નઝારો જોવા જેવો હોય છે. ઓઇસ્ટર મશરૂમના ઉત્પાદન માટે ઓરડામાં ભેજ જાળવવો અનિવાર્ય છે.

ઉનાળાની આકરી ગરમીમાં પણ મશરૂમને અનુકૂળ કુદરતી ઠંડક આપવા માટે અર્ચનાબેને સરકારી યોજનાના આર્થિક સહયોગથી પ્લાન્ટની છત પર ખાસ ફોગર સિસ્ટમ ફિટ કરાવી છે.

*બોક્સ આઈટમ – આર્થિક પાસું અને સરકારી સહાય*

મશરૂમ ઉગાડવા માટે કોઈ મોટા ખેતરની જરૂર નથી, ઘરના જ કોઈ બંધ ઓરડામાં કે આંગણે શેડ બનાવીને આ ખેતી ખૂબ ઓછા રોકાણ સાથે સરળતાથી શરૂ કરી શકાય છે. તેની પદ્ધતિ પણ એકદમ વૈજ્ઞાનિક છે, જેમાં મુખ્યત્વે પરાળ (સૂકા ઘાસ) કે ઘઉંના ભૂસાને ૧૨ થી ૧૬ કલાક ગરમ પાણીમાં પલાળીને જંતુમુક્ત કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં ૬૦-૬૫ ટકા જેટલો ભેજ રાખી, મશરૂમના બિયારણ સાથે મિશ્ર કરી પ્લાસ્ટિકની બેગમાં ભરી દેવાય છે.

આ બેગ્સને ૧૫ થી ૧૮ દિવસ અંધારા ઓરડામાં રાખ્યા બાદ, ઓટોમેટિક ફોગર સિસ્ટમ દ્વારા ૨૦ ડિગ્રીથી ૩૦ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહે છે, તાપમાન અને ૮૦ થી ૯૦ ટકા ભેજ આપતા જ ટૂંકા સમયમાં મોતી જેવા ઓઇસ્ટર મશરૂમનું ધરખમ ઉત્પાદન મળવા લાગે છે. અન્ય વ્યવસાયોની સરખામણીએ આમાં વળતર બહુ ઝડપી મળે છે.

વળી, નવા સાહસિકો અને સ્ટાર્ટઅપ્સ માટે સરકારશ્રીની એન.એચ.એમ. યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે, જેમાં આ પ્રકારની ઇનોવેટિવ ખેતી માટે ૪૦ ટકા જેટલી મોટી આર્થિક સબસીડી પણ મળવાપાત્ર છે, જે ગ્રામીણ રોજગારી અને આત્મનિર્ભરતાને મોટું બૂસ્ટર પૂરું પાડે છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર મહિલાઓના સશક્તિકરણ સહિત સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે. તાપી જિલ્લા વહીવટી તંત્ર પણ જિલ્લાના જરૂરિયાતમંદ નાગરિકોને સરકારી યોજનાઓના લાભો પહોંચાડવા પ્રતિબદ્ધ છે.

આલેખન : સંગીતા ચૌધરી, રોશન સાવંત

૦૦૦

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *