વ્યસનની આદત અને પારિવારિક વિવાદના કિસ્સામાં 181 અભયમ ટીમની અસરકારક કામગીરીથી પતિ-પત્ની વચ્ચે સુખદ સમાધાન
Contact News Publisher

181 અભયમ ટીમના અસરકારક કાઉન્સેલિંગ અને કાયદાકીય સમજણથી પતિએ પોતાની ભૂલ સ્વીકારી, પત્ની અને બાળકોની જવાબદારી નિભાવવાની આપી ખાતરી
(પ્રિયા દુબે દ્વારા, બારડોલી) : તા. ૨૮. બારડોલી વિસ્તારમાં રહેતી એક મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર સંપર્ક કરીને જાણ કરી હતી કે તેમના પતિ કેફી દ્રવ્યોનું સેવન કરીને ઘરે આવતા હતા અને તેમની સાથે વારંવાર ઝઘડો કરી માનસિક ત્રાસ આપતા હતા. પતિના આ વર્તનને કારણે પારિવારિક જીવનમાં તણાવ વધતાં મહિલાએ મદદ માટે 181 અભયમનો સંપર્ક કર્યો હતો.
મહિલાની રજૂઆતને ધ્યાનમાં રાખીને 181 અભયમ બારડોલી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મહિલાને સાંભળીને પરિસ્થિતિની વિગતો જાણી હતી. કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે મહિલા પોતાના પતિ અને ત્રણ બાળકો સાથે રહે છે. પતિ છેલ્લા એક મહિનાથી નોકરી પર જતા ન હોવાથી પરિવારની આર્થિક જવાબદારી મહિલાએ મજૂરીકામ કરીને નિભાવવી પડતી હતી. આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પતિ દ્વારા નશો કરવા માટે વારંવાર પૈસાની માંગ કરવામાં આવતી હોવાથી ઘરમાં અવારનવાર વિવાદ થતો હતો. મહિલાની રજૂઆત મુજબ, પતિના વર્તનને કારણે તેમને માનસિક તેમજ શારીરિક ત્રાસનો પણ સામનો કરવો પડતો હતો.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 181 અભયમ ટીમના કાઉન્સેલરે સંવેદનશીલતા અને વ્યવસાયિક અભિગમ સાથે બંને પક્ષોનું કાઉન્સેલિંગ કર્યું હતું. કાઉન્સેલર દ્વારા બંને પક્ષોની રજૂઆત સાંભળવામાં આવી અને પારિવારિક જવાબદારીઓ, પરસ્પર સન્માન તથા બાળકોના હિતનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, પતિને સરળ ભાષામાં કાયદાકીય સમજણ આપવામાં આવી હતી કે પત્ની સાથે મારપીટ, ધમકી કે અન્ય કોઈપણ પ્રકારનો ત્રાસ આપવો કાયદેસર રીતે ગંભીર બાબત છે અને આવી પરિસ્થિતિમાં કાયદા મુજબ કાર્યવાહી થઈ શકે છે. પરિવારની જવાબદારીઓથી દૂર રહેવાને બદલે પત્ની અને બાળકોના ભરણપોષણ તથા સંભાળમાં જવાબદારીપૂર્વક સહભાગી થવાનું પણ સમજાવવામાં આવ્યું હતું.
181 અભયમ ટીમના માર્ગદર્શન અને કાઉન્સેલિંગના પરિણામે પતિએ પોતાની ભૂલ સ્વીકારી હતી. તેમણે ભવિષ્યમાં પત્ની સાથે સન્માનપૂર્વક વર્તવાની, તેમને હેરાન ન કરવાની તથા પત્ની અને બાળકોની જવાબદારીઓ નિભાવવાની ખાતરી આપી હતી. બંને પક્ષો વચ્ચે સંવાદ અને સમજણ સ્થાપિત થતાં પરસ્પર સંમતિથી સુખદ સમાધાન થયું હતું.
આમ, 181 અભયમ મહિલા હેલ્પલાઇનની સમયસરની સહાય, અસરકારક કાઉન્સેલિંગ અને કાયદાકીય માર્ગદર્શન દ્વારા પારિવારિક વિવાદના નિરાકરણ માટે સકારાત્મક પ્રયાસ કરવામાં આવ્યો હતો. ટીમે મહિલાને જરૂર પડ્યે ફરીથી 181 અભયમનો સંપર્ક કરવા અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.
મહિલાએ મુશ્કેલ પરિસ્થિતિમાં સમયસર મદદ પૂરી પાડવા બદલ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
○○○
