વિશ્વ બાળમજૂરી વિરોધી દિવસ : બાળપણ બચાવવાનો વૈશ્વિક સંકલ્પ

(માહિતી બ્યુરો દ્વારા, ગાંધીનગર) : તા. 12 જૂન, વિશ્વ બાળમજૂરી વિરોધી દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં બાળમજૂરી જેવી ગંભીર સામાજિક સમસ્યા સામે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ દિવસનો મુખ્ય હેતુ બાળમજૂરીની વૈશ્વિક પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો તેમજ બાળમજૂરીને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સરકારો, સંસ્થાઓ અને નાગરિકોને એક મંચ પર લાવી સંયુક્ત પ્રયાસો કરવા પ્રેરિત કરવાનો છે.
બાળકો દેશનું ભવિષ્ય છે, પરંતુ આજે પણ વિશ્વના અનેક દેશોમાં લાખો બાળકો શિક્ષણ અને રમતગમતથી વંચિત રહી જોખમી અને કઠિન પરિસ્થિતિઓમાં કામ કરવા મજબૂર બને છે. બાળમજૂરીને સામાન્ય રીતે એવા કોઈપણ કાર્ય અથવા વ્યવસાય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જે બાળકના શારીરિક, માનસિક, સામાજિક અથવા શૈક્ષણિક વિકાસને નુકસાન પહોંચાડે છે. આવા કાર્યો બાળકોને શાળાથી દૂર રાખે છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઊભો કરે છે.
વિશ્વ બાળમજૂરી વિરોધી દિવસની શરૂઆત વર્ષ 2002માં આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO) દ્વારા કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે 12 જૂનના રોજ બાળમજૂરીના વધતા પડકારો અને તેના નિવારણ માટે જરૂરી પગલાં અંગે વિશ્વભરમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ગરીબી, અશિક્ષણ, સામાજિક અસમાનતા અને આર્થિક સંકટ બાળમજૂરીના મુખ્ય કારણો છે. ખાસ કરીને જોખમી ઉદ્યોગો, ખાણો, કૃષિ ક્ષેત્રો, હોટલ-ઢાબાઓ અને ઘરગથ્થુ કામોમાં બાળકોનો ઉપયોગ તેમના સ્વાસ્થ્ય અને ભવિષ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે.
આ દિવસ નિમિત્તે સરકારો, નોકરીદાતાઓ, કામદારો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સામાન્ય નાગરિકોને બાળમજૂરી વિરુદ્ધ એકજૂથ થઈ કાર્ય કરવા આહ્વાન કરવામાં આવે છે. બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ, સુરક્ષિત વાતાવરણ અને વિકાસની સમાન તકો ઉપલબ્ધ કરાવવી એ દરેક સમાજની સામૂહિક જવાબદારી છે.
વિશ્વ બાળમજૂરી વિરોધી દિવસ આપણને એ સંદેશ આપે છે કે કોઈપણ બાળકનું સ્થાન કારખાનામાં કે મજૂરીના સ્થળે નહીં, પરંતુ શાળામાં, રમતના મેદાનમાં અને સ્વપ્નો સાકાર કરવાની તક આપતા વાતાવરણમાં હોવું જોઈએ. બાળમજૂરી મુક્ત વિશ્વનું નિર્માણ કરવા માટે દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી નિભાવી બાળકોના અધિકારોના રક્ષણ માટે આગળ આવવું જરૂરી છે.
“બાળપણને મજૂરી નહીં, શિક્ષણ અને સંસ્કારનો અધિકાર આપીએ – બાળમજૂરી મુક્ત સમાજના નિર્માણ માટે સંકલ્પબદ્ધ બનીએ.”
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
