ઓનલાઈન સતામણી કે ઉશ્કેરણી કોઈ રમત નથી, ગંભીર કાયદાકીય ગુનો છે

(માહિતી બ્યુરો, ગાંધીનગર) : સોશિયલ મીડિયા, મેસેજિંગ એપ્સ અને ઓનલાઈન પ્લેટફોર્મના વધતા ઉપયોગ સાથે સાયબર સતામણી, ધમકીઓ, અપમાનજનક ટિપ્પણીઓ, ખોટી અફવાઓ ફેલાવવી, બ્લેકમેઇલિંગ તેમજ ઉશ્કેરણીજનક પોસ્ટ્સ જેવી ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. ઘણી વખત લોકો આવી પ્રવૃત્તિઓને માત્ર મજાક કે મનોરંજન સમજી લેતા હોય છે, પરંતુ કાયદાની દૃષ્ટિએ આ પ્રકારના કૃત્યો ગંભીર ગુનાની શ્રેણીમાં આવે છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ કોઈ વ્યક્તિને સોશિયલ મીડિયા મારફતે વારંવાર હેરાન કરવી, અપમાનજનક સંદેશાઓ મોકલવા, ખોટા આરોપો લગાવવા, ધમકીઓ આપવી, વ્યક્તિગત માહિતી અથવા ફોટોગ્રાફ્સનો દુરુપયોગ કરવો, નકલી એકાઉન્ટ બનાવી બદનામી કરવી અથવા કોઈ વ્યક્તિને આત્મહત્યા કે હિંસક પ્રવૃત્તિ માટે ઉશ્કેરવાનો પ્રયાસ કરવો સાયબર ગુનામાં ગણાય છે. આવા કિસ્સાઓમાં કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
ખાસ કરીને બાળકો, કિશોરો અને મહિલાઓ ઓનલાઈન સતામણીનો ભોગ બનતા હોય છે. સાયબર ગુનેગારો ઘણીવાર સોશિયલ મીડિયા, ગેમિંગ પ્લેટફોર્મ અથવા મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરીને લોકોને માનસિક રીતે પરેશાન કરે છે. આવી પરિસ્થિતિમાં ડરવાને બદલે તાત્કાલિક પુરાવા સાચવી રાખવા અને સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવવી જરૂરી છે.
ભારત સરકારના ભારતીય સાયબર ક્રાઇમ સંકલન કેન્દ્ર (I4C) દ્વારા સંચાલિત રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરીને સાયબર ગુનાઓ અંગે ફરિયાદ નોંધાવી શકાય છે. ઉપરાંત, નાગરિકો ઓનલાઈન ફરિયાદ માટે National Cyber Crime Reporting Portal પર પણ અરજી કરી શકે છે. સાયબર છેતરપિંડી, ઓનલાઈન સતામણી, બ્લેકમેઇલિંગ, સ્ટોકિંગ, નકલી પ્રોફાઇલ, સોશિયલ મીડિયા દુરૂપયોગ અને અન્ય સાયબર ગુનાઓની ફરિયાદો માટે આ વ્યવસ્થા ઉપલબ્ધ છે. (Commoner Law)
સાયબર સુરક્ષા ક્ષેત્રના નિષ્ણાતો નાગરિકોને અપીલ કરે છે કે અજાણ્યા લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતા પહેલાં સાવચેતી રાખવી, વ્યક્તિગત માહિતી જાહેર ન કરવી, મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવો અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ સામે તરત જ કાર્યવાહી કરવી. સમયસર ફરિયાદ નોંધાવવાથી ગુનેગારો સુધી પહોંચવામાં અને વધુ નુકસાન અટકાવવામાં મદદ મળે છે.
જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે ઓનલાઈન સતામણી, ધમકી, બ્લેકમેઇલિંગ અથવા ઉશ્કેરણીની કોઈપણ ઘટના સામે મૌન ન રહો. તાત્કાલિક 1930 હેલ્પલાઈન પર સંપર્ક કરો અને સાયબર ગુનાની જાણ કરીને પોતાને તથા સમાજને સુરક્ષિત રાખો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
