વડાપ્રધાનશ્રીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે તાપી જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

તાપી નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડે વિવિધ કાર્યક્રમો અંગે પ્રાથમિક બેઠક યોજી
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આયોજિત રાજ્યવ્યાપી ઉજવણીને અનુલક્ષીને તાપી જિલ્લામાં આગામી તા. ૫ જૂન, ૨૦૨૬થી તા. ૨૧ જૂન, ૨૦૨૬ દરમિયાન આયોજિત વિવિધ જનકલ્યાણકારી અને વિકાસલક્ષી કાર્યક્રમોના આયોજન સંદર્ભે નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડના અધ્યક્ષસ્થાને પ્રાથમિક બેઠક યોજાઈ હતી.
બેઠકમાં આગામી દિવસોમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોની રૂપરેખા, આયોજન અને વિભાગો વચ્ચેના સંકલન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ અંતર્ગત વૃક્ષારોપણ અને જતન અભિયાન (એક પેડ મા કે નામ), સ્વચ્છતા અભિયાન, પ્રગતિપથ યાત્રા, સરકારની સિદ્ધિઓની પ્રદર્શની અને પ્રચાર-પ્રસાર કાર્યક્રમો, વિકસિત ભારત સંકલ્પ સંમેલન, જનકલ્યાણ શિબિરો, પ્રાકૃતિક ખેતી કાર્યશાળાઓ તેમજ વિશ્વ યોગ દિવસની ઉજવણી સહિતના કાર્યક્રમોના સફળ આયોજન માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડે તમામ વિભાગોને પરસ્પર સંકલન સાથે કામગીરી હાથ ધરવા, કાર્યક્રમોનું અસરકારક આયોજન કરવા તેમજ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે તે માટે આયોજનબદ્ધ પ્રયાસો કરવા સૂચના આપી હતી.
બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી સહિત વિવિધ વિભાગના અમલીકણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
