રાજ્યના પોલીસ વડાએ ગાંધીનગરથી VC દ્વારા કચ્છ કોર્ટમાં જુબાની આપી સમય અને ઇંધણની બચતનો નવો રાહ ચીંધ્યો : ન્યાયિક પ્રક્રિયામાં આધુનિક ટેકનોલોજીનો સીમાચિહ્નરૂપ ઉપયોગ

0
State Police Chief testified in Kutch Court through VC from Gandhinagar, setting a new benchmark for saving time and fuel: Landmark use of modern technology in judicial process
Contact News Publisher

પોલીસ અધિકારી કર્મચારીઓ અને જેલના કેદીઓ માટે વીડિયો કોન્ફરન્સ સુવિધા આશીર્વાદરૂપ: સમય અને નાણાંનો થાય છે બચાવ

 

રાજ્યના પોલીસ વડાએ પોતે આ સુવિધાનો ઉપયોગ કરી અન્યો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું

 

વીડિયો કોન્ફરન્સિંગ (ફોર્મલ વિટનેસ ડિપોઝીશન સેન્ટર) સુવિધાનો મહત્તમ ઉપયોગ કરવા રાજ્યના પોલીસ વડાશ્રીનો અનુરોધ

…..

ન્યાય તંત્ર અને પોલીસ વિભાગના સંયુક્ત પ્રયાસોથી સામાન્ય નાગરિકો, સાક્ષીઓ તેમજ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો કિંમતી સમય બચાવવા તથા ઇંધણની મોટી બચત કરવાના આશયથી કોર્ટમાં જુબાની આપવા માટે વીડિયો કોન્ફરન્સ કેન્દ્ર (Formal Witness Deposition Centre)ની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સુવિધા અંતર્ગત આજે રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવે પોતે આ આધુનિક ટેકનોલોજીનો લાભ લઈ સમાજ અને પોલીસ વિભાગ સમક્ષ એક ઉત્કૃષ્ટ અને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

 

રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવ વર્ષ ૨૦૨૧ના એક એસીબી (ACB)ના કેસમાં પ્રોસિક્યુશન મંજૂરી આપવા અનુસંધાને આજે મહત્વની જુબાની આપવા માટે ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના વીડિયો કોન્ફરન્સ કેન્દ્ર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા. આ કેસની સુનાવણી કચ્છ-ગાંધીધામની કોર્ટમાં ચાલી રહી હોય, DGPશ્રીએ ગાંધીનગરથી જ ઓનલાઈન માધ્યમ દ્વારા કચ્છની કોર્ટમાં હાજર થઈને પોતાની જુબાની નોંધાવી હતી. ગાંધીનગરથી કચ્છ સુધી લાંબી મુસાફરી કરવાને બદલે ટેકનોલોજીના માધ્યમથી ગણતરીના સમયમાં જ આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

 

આ સુવિધાનો કારણે દૂર-દૂરની કોર્ટોમાં ધક્કા ખાવામાંથી મુક્તિ મળતા કલાકોનો સમય બચે છે અને સરકારી તેમજ વ્યક્તિગત ઇંધણની મોટી બચત થાય છે. સાક્ષીઓ કે અધિકારીઓની ભૌગોલિક હાજરીના અભાવે કેસમાં તારીખો પડતી નથી, જેથી ન્યાયિક પ્રક્રિયા ઝડપી બને છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મુસાફરીના બદલે કાયદો અને વ્યવસ્થાની પોતાની મૂળભૂત ફરજો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. વિવિધ જેલોમાં બંધ કેદીઓને કોર્ટમાં રજૂ કરવા માટે લાવવા-લઈ જવાની ઝંઝટ મુક્ત બને છે. જેનાથી પોલીસ જાપ્તાનો ખર્ચ ઘટે છે અને સુરક્ષા જોખમો નિવારી શકાય છે.

 

રાજ્યના પોલીસ વડાએ પોતે આ સુવિધાનો ઉપયોગ કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ટેકનોલોજીનો સ્વીકાર એ આજના સમયની માંગ છે. સમય, શક્તિ અને રાષ્ટ્રીય સંપત્તિ સમાન ઇંધણની બચત કરતી આ ઉત્તમ ડિજિટલ સુવિધાનો રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકો મહત્તમ ઉપયોગ કરે તેવો અનુરોધ ડૉ. કે. એલ. એન. રાવ દ્વારા કરવામાં આવ્યો છે.

….

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *