ભગતના પ્રભાવને કારણે ઉભા થયેલા વહેમ વચ્ચે 181 ટીમે દંપતીમાં કરાવ્યું સમાધાન
181
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના વાલોડ તાલુકાના એક ગામમાંથી 181 મહિલા હેલ્પલાઇનને એક મહિલાનો કોલ મળ્યો હતો. મહિલાએ જણાવ્યું હતું કે તેમના પતિ તેમને લઈને વહેમ રાખે છે, વારંવાર ઝઘડો કરે છે અને તેમના પર હાથ પણ ઉઠાવ્યો છે.
કોલ મળતા જ તાપી 181 ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એક મહત્વની બાબત સામે આવી કે મહિલાના સાસરી પક્ષના લોકો લાંબા સમયથી એક “ભગત” પાસે જતાં હતા અને ઘરેલુ તેમજ વ્યક્તિગત સમસ્યાઓ અંગે તેની સલાહ લેતા હતા.આ કારણે પરિવારની ઘણી ખાનગી માહિતી ભગત સુધી પહોંચતી રહી હતી.
મહિલા બે-ત્રણ વખત બીમાર પડતાં તેમને પણ ભગત પાસે લઈ જવામાં આવ્યા હતા, જેના કારણે મહિલામાં પણ ધીમે ધીમે ભગત પ્રત્યે વિશ્વાસ ઉભો થયો હતો. ત્યારબાદ મહિલાએ પણ નાની-મોટી સમસ્યાઓ માટે ભગતનો સંપર્ક કરવાનું શરૂ કર્યું. ઘરેલુ ઝઘડા અથવા મતભેદોની વાતો પણ ભગત સાથે શેર થવા લાગી.આ સતત સંપર્ક અને વ્યક્તિગત માહિતીના વહેંચાણને કારણે મહિલાના પતિના મનમાં શંકા અને વહેમ ઊભો થયો, જે સમય જતાં ગંભીર બન્યો અને દંપતી વચ્ચેના સંબંધોમાં તણાવ વધતો ગયો.
181 ટીમ દ્વારા પક્ષને પુછપરછ કરી ખાતરી કરવામાં આવી કે મહીલા કોઈ અનૈતિક સંબંધ નથી. વધુ તપાસમાં જાણવા મળ્યું કે મહિલાના સાસરી પક્ષ અને પતિ દ્વારા જ મહિલાને ભગત સાથે સંપર્ક કરવા કહેવામાં આવતું અને જરૂરિયાત વખતે આર્થિક મદદ માટે પણ સંપર્ક કરાવવામાં આવતો હતો.
ટીમ દ્વારા મહિલાના પતિ અને સાસરી પક્ષને સમજાવવામાં આવ્યું કે અંધશ્રદ્ધા અને બહારના વ્યક્તિ પર વધુ નિર્ભરતા પરિવાર માટે નુકસાનકારક બની શકે છે. ઘરેલુ મુદ્દાઓ બહાર જાહેર કરવાથી ગેરસમજ અને તણાવ વધે છે, જેનાથી પરિવારિક સંબંધો પર અસર પડે છે.સમજણ બાદ મહિલાના પતિએ પોતાની ભૂલ સ્વીકારી અને ભવિષ્યમાં ખોટા વહેમ રાખશે નહીં તેવી ખાતરી આપી. અંતે 181 મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા સ્થળ પર જ પતિ-પત્ની વચ્ચે સફળતાપૂર્વક સમાધાન કરાવવામાં આવ્યું.
તાપી 181 મહિલા હેલ્પલાઇનની સચોટ અને સંવેદનશીલ કામગીરીથી પરિવાર ફરી એક થયો.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
