સરકારનાં એક વર્ષ પૂર્ણ થવાના અવસરે મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાએ પાણી આમલીગામે ઘર ઘર ફરી માસ્ક અને સેનીટાઇઝરનું વિતરણ
(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોળ) : માંગરોળ તાલુકાના પાણી આમલી ગામે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા અને સુરત જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપસિંહ રાઠોડ સહિતના આગેવાનો દ્વારા કેન્દ્ર સરકારનું એક વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ થવાના અવસરે લોકોને ઘર ઘર જઈ માસ્કને સેનીટાઇઝરનું વિતરણ કરવાની સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પાઠવેલ શુભેચ્છા પત્રની નકલનું પણ લોકોને વિતરણ કરાયું હતું. હાલમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે લોકો કોરોના વાયરસ પ્રત્યે જાગૃતિ દાખવે એવા મૂળ હેતુ સાથે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા સુરત જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપસિંહ રાઠોડ સુરત જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ દીપકભાઈ વસાવા, હર્ષદભાઈ ચૌધરી માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશભાઈ ગામીત મહામંત્રી રમેશભાઇ ચૌધરી સહિતના આગેવાનોએ આદિવાસી વિસ્તારના નાનકડા પાણી આમલી ગામના છેવાડાના ઘરો સુધી પહોંચી લોકોને માસ્ક, સેનીટાઇઝરનું વિતરણ કર્યું હતુ. કોરોના વાયરસ મહામારી અંગે લોકોને માર્ગદર્શન આપ્યું હતું તેમજ કેન્દ્ર સરકાર દ્વારા એક વર્ષમાં કરવામાં આવેલા કામોની માહિતી સાથે લોકોને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રીના પત્રની નકલોનું પણ વિતરણ લોકોને કર્યું હતું.