ઓલપાડની ભટગામ પ્રાથમિક શાળામાં ધોરણ-૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડની ભટગામ પ્રાથમિક શાળામાં ધોરણ-૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. પ્રારંભે પ્રાર્થના અને સ્વાગતગીત બાદ વિદાય લેતાં તમામ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. શાળાની બાળાઓએ નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી પ્રસંગને દીપાવ્યો હતો.
આ પ્રસંગે ધોરણ-૮ નાં વર્ગ શિક્ષિકા નિમિષા પટેલે વિધાર્થીઓને જણાવ્યું હતું કે વિદાય એ અંત નથી પણ એક નવી શરૂઆત છે. ભવિષ્યમાં આવનારા નવા પડકારો ઝીલવાની તૈયારી રાખીને અપેક્ષિત પરિણામ મેળવવા તેમણે સૌને હાકલ કરી હતી. આ સાથે શાળાનાં શિક્ષકો દિપક પટેલ, અલ્પેશ સુરતી, જીનલ પટેલ તથા વિજય પટેલે વિધાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વચન પાઠવ્યાં હતાં. શાળાનાં મુખ્યશિક્ષિકા કલ્પના પટેલે પણ વિધાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરી ગામ તથા શાળાનું નામ રોશન કરે એવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
વિદાય લેતાં વિદ્યાર્થીઓએ શાળા પરિવારને સ્મૃતિભેટ અર્પણ કરી પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ તકે વિધાર્થીની મહેંક સુરતીએ પોતાનાં અને સહપાઠીઓનાં અભ્યાસકાળનાં સંસ્મરણો વાગોળી અભ્યાસની સાથે શિસ્ત, સંસ્કાર અને હૂંફ પ્રદાન કરનાર સૌ શિક્ષકોનો આભાર માન્યો હતો. કાર્યક્રમનાં અંતે શાળાનાં તમામ વિધાર્થીઓએ શિક્ષકગણ તરફથી આપવામાં આવેલ પાઉંભાજીની મિજબાની માણી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
