લાખોનો ગાંજો પકડનાર ઓલપાડ પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ અશોક પટેલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનાં હસ્તે સન્માન

Contact News Publisher

વતન હાંસોટ પંથકમાં પણ હર્ષ અને ગૌરવની લાગણી સાથે અભિનંદન વર્ષા

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  રાજ્યમાં નશાબંધી અને નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત સુરત જિલ્લાની ઓલપાડ પોલીસે ટૂંકા ગાળામાં બે મોટી સફળતા મેળવી હતી. ઓલપાડ પોલીસ સ્ટેશનનાં અ.હે.કો. અશોકભાઈ ગણપતભાઈ પટેલ દ્વારા બાતમીનાં આધારે કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરીની કદરરૂપે ગુજરાત રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તેમને સન્માનપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.

અશોક પટેલે પોતાની ફરજ દરમિયાન વ્યક્તિગત બાતમીદારોનો ઉપયોગ કરી NDPS એક્ટ હેઠળ બે મહત્વનાં ગુનાઓ શોધી કાઢ્યા હતાં જે પૈકી ગત તા.૨૭ માર્ચનાં રોજ ઓલપાડ તાલુકાનાં કારેલી ગામમાંથી ત્રણ ઈસમોને વગર પાસ-પરમિટનાં ૮૭.૪૪૨ કિલોગ્રામ ગાંજાનાં જથ્થા સાથે ઝડપી પાડ્યા હતાં. આ કામગીરીમાં પોલીસે કુલ રૂ.૫૧,૩૮,૬૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે તા.૧૦ માર્ચનાં રોજ ઉમરા-ગોથાણ રેલ્વે બ્રિજથી દેલાડ ગામ તરફ જતી ત્રણ રસ્તા પાસે મોટરસાયકલ પર સવાર બે ઈસમોને અટકાવી તેમની પાસેથી ૩.૭૪૫ કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો હતો. આ દરોડામાં કુલ રૂ.૨,૪૭,૭૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ બંને સફળ કામગીરીને પગલે માંડવી ખાતે યોજાયેલ નવનિર્મિત પોલીસ સ્ટેશનનાં લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અશોક પટેલની નિષ્ઠા અને ઉત્સાહની પ્રશંસા કરી હતી. સન્માનપત્રમાં તેમણે આશા વ્યક્ત કરી હતી કે અશોકભાઈ ભવિષ્યમાં પણ આ રીતે નિષ્ઠાપૂર્વક કામગીરી કરી પોલીસ વિભાગનું ગૌરવ વધારતા રહેશે. આ પ્રસંગે ઓલપાડ પોલીસ સ્ટેશન અને સુરત પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓએ અશોકભાઈને અભિનંદન પાઠવ્યા હતાં. તેમનાં આ સન્માન બદલ તેમનાં વતન હાંસોટ પંથકમાં પણ હર્ષ અને ગૌરવની લહેર પ્રસરી હતી.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other