તાપી જીલ્લા ખેડૂતો જોગ સંદેશ : રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત લઘુતમ ટેકાના ભાવે ઘઉંની સીધી કરવામાં આવશે

0
wheat
Contact News Publisher

ખેડૂતમિત્રોને સમયસર નોંધણી કરાવી લઘુતમ ટેકાના ભાવનો લાભ લેવા અનુરોધ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૦૩. ભારત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન ૨૦૨૬–૨૭ માટે ઘઉંનો લઘુતમ ટેકાનો ભાવ રૂ. ૨,૫૮૫/- પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવેલ છે. આ અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તે ઉત્પાદનનો યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે લઘુતમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરવામાં આવશે.

લઘુતમ ટેકાના ભાવે ઘઉં વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોની ઓનલાઈન નોંધણી તા. ૦૧/૦૨/૨૦૨૬ થી ૦૧/૦૩/૨૦૨૬ દરમ્યાન સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે કરવામાં આવશે. નોંધણી ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા ફરજિયાત રહેશે. ઘઉંની ખરીદી તા. ૦૪/૦૩/૨૦૨૬ થી ૧૫/૦૫/૨૦૨૬ દરમ્યાન કરવામાં આવશે.

નોંધણી માટે ખેડૂતોને આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમૂનો ૭/૧૨, ૮/અ, પાકની વાવણી અંગેની એન્ટ્રી (જો ૭/૧૨ અથવા ૮/અમાં ન હોય તો તલાટીની સહી-સિક્કાવાળો દાખલો) તેમજ ખેડૂતના નામના બેંક ખાતાની વિગતરૂપે બેંક પાસબુકની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.

લઘુતમ ટેકાના ભાવે પાક વેચાણ કરવા માટે ઓનલાઈન નોંધણી ફરજિયાત હોવાથી સંબંધિત ગ્રામપંચાયત / VCEનો સંપર્ક કરી સમયસર નોંધણી કરાવવા રાજ્યના તમામ ખેડૂતમિત્રોને અનુરોધ કરવામાં આવે છે.

નોંધણી કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ અથવા ઓળખપત્ર સાથે રાખવું ફરજિયાત રહેશે. જથ્થાની ખરીદી ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ કરવામાં આવશે. દસ્તાવેજોની ચકાસણી દરમ્યાન જો ખોટા દસ્તાવેજ અપલોડ થયેલ હોવાનું જણાશે તો નોંધણી રદ કરવામાં આવશે તથા ખરીદી માટે કોઈ જાણ કરવામાં આવશે નહીં.

નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર ૮૫૧૧૧ ૭૧૭૧૮ અને ૮૫૧૧૧ ૭૧૭૧૯ પર સંપર્ક કરવા જિલ્લા પુરવઠા અધિકારી અને જિલ્લા મેજિસ્ટ્રેટ-તાપીની અખબારી યાદીમાં જણાવ્યું છે.

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other