વ્યારા ખાતે આદિવાસી સમાજ માટે પ્રેરક માતૃ વંદના પર્વ ઉજવણી કરાઈ

ગુજરાત કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય,ગાંધીનગરના “સ્કુલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ” ના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક શ્રીમતિ શાંતા એન ચૌધરી સુવર્ણ અને રજત પદક ઘોષણા તાપી અને આદિવાસી સમાજ માટે ગૌરવ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૯. :- તાપી જિલ્લા તથા આદિવાસી સમાજ માટે ગૌરવ કહી શકાય એવા શ્રીમતિ શાંતાબેન એન. ચૌધરીના નામથી ગુજરાત કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય, ગાંધીનગરના “સ્કુલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ” ના તેજસ્વી વિદ્યાર્થીઓના પરિશ્રમને બિરદાવવા માટે તા. ૧૮ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ વ્યારા ખાતે વાર્ષિક સુવર્ણ અને રજત પદક ઘોષણા કરવામાં આવી હતી.
તાપી જિલ્લાના માયપુર ગામના વતની શ્રીમતિ શાંતાબેન એન. ચૌધરી કે, જેમણે વર્ષો પહેલા ઉકાઈ ડેમના ડુબાણમાં ગયેલા અંતરિયાળ આદિવાસી વિસ્તારના ગામોના બાળકોના શૈક્ષણિક ઉત્કર્ષ માટે સર્વોદય યોજનાથી શિક્ષણના યજ્ઞનો પ્રારંભ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, તેમનાં સંતાનો પૈકી વિરલભાઈ ચૌધરી ઇન્ડિયન કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલના અધ્યક્ષ છે. જ્યારે અન્ય બે સંતાનો, જયેશભાઈ ચૌધરી અને મનિષાબેને પણ માતાના યોગદાનને અમર બનાવી માતૃ વંદના પર્વની યાદગાર ઉજવણી કરીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
માતાનું વાત્સલ્ય અને સંસ્કાર સંતાનોના જીવનની અમૂલ્ય મૂડી છે. માં પ્રત્યેની અખંડ શ્રધ્ધા અને એક અદભૂત મનોરથ સ્વરૂપે માં સરસ્વતીના ઉપાસકો, તેજસ્વી વિદ્યાર્થીઓના પરિશ્રમને બિરદાવવા તથા સમાજના ઘડવૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય, વડોદરા તરફથી પૂજ્ય શાંતાબેન નસવાનભાઈ ચૌધરીના નામના વાર્ષિક પુરસ્કાર (ગોલ્ડ અને સિલ્વર મેડલ) એનાયત કરવાનું નિર્ધારિત કરાયું છે. જે આપણા સૌના માટે ગૌરવ અને સદભાગ્ય છે.
નવરાત્રિના પાવન પર્વની ઉજવણી સાથે માતાનું પણ ઋણ અદા કરવાના ઉમદા આશય સાથે યોજાયેલા આ કાર્યક્રમમા સમગ્ર જીવન દરમિયાન માતાએ વિતાવેલ જીવનની ઝાંખી ઉપસ્થિત મહાનુભાવોએ કરી હતી. તેમના સેવાકીય કાર્યોને બિરદાવી ઉપસ્થિત તમામ લોકોએ આઠમાં નોરતાએ માંની આરતી ઉતારી સમગ્ર કાર્યક્રમને દૈદીપ્યમાન બનાવ્યો હતો.
આ પ્રસંગે પૂર્વ સાંસદ અને અગ્રણી અમરસિંહભાઈ ઝેડ ચૌધરી, ડો. મહેશભાઈ ચૌધરી, પ્રા. રાકેશ દવે સહિત મહાનુભાવો સહિત વડીલો, આમંત્રિત મહેમાનોએ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
●●●
