એઇમ્સ ખાતે ચામડીના રોગોના સચોટ નિદાનનો માસ્ટર ક્લાસ આપતા વ્યારાના ડો. અંકિત ભારતી
તાપીના આદિવાસી વિસ્તારમાં વિશ્વકક્ષાની સેવા આપનાર ડો. ભારતી ગુજરાતના પ્રથમ ડર્મેટોપેથોલોજી નિષ્ણાત
—
AIIMS નવી દિલ્હી ખાતે ડર્મેટોલોજી વિભાગ દ્વારા વાર્ષિક પરિષદમાં વ્યાખ્યાન માટે આમંત્રિત કરાયા હતા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 05. :- નવી દિલ્હીના ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતે તા. ૩-4 જાન્યુઆરી, ૨૦૨૫ દરમિયાન AIIMS, નવી દિલ્હીના ડર્મેટોલોજી વિભાગ દ્વારા ડર્મેટોપેથોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયાની વાર્ષિક પરિષદમાં વ્યારાના તબીબ ડો. અંકિત ભારતીને સ્કીન બાયોપ્સી અંગે વ્યાખ્યાન આપવા માટે આમંત્રિત કરાયા હતા.
વ્યારામાં કાર્યરત ડૉ. અંકિત ભારતી ગુજરાતના પ્રથમ ડર્મેટોપેથોલોજી એટલે કે ચામડીની બાયોપ્સી નિષ્ણાત છે. તેમણે સીએમસી વેલ્લોર, કેઈએમ હોસ્પિટલ-મુંબઈ, ટાટા મેમોરિયલ હોસ્પિટલ-મુંબઈ અને UCSF – સાન ફ્રાન્સિસ્કો અમેરિકા ખાતે તાલીમ મેળવી છે. તાજેતરમાં જ તેમને UCSF કેલિફોર્નિયા ખાતે વધુ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ એનાયત કરવામાં આવી હતી, જ્યાંથી મેળવેલા અનુભવ અને અદ્યતન ટેકનોલોજીના જ્ઞાનનો લાભ તેઓ હાલમાં તાપી જિલ્લાના દર્દીઓને આપી રહ્યા છે.
છેલ્લા ૮ વર્ષથી વધુ સમયથી ડૉ. ભારતી તાપી જિલ્લાના વ્યારા ખાતે ઓરા સ્કિન ક્લિનિક અને ડર્મેટોપેથોલોજી રિસર્ચ સેન્ટર થકી આદિવાસી સમુદાયોમાં સેવા અને સંશોધન કરી રહ્યા છે. તેઓ ખાસ કરીને પાંડુરોગ, રક્તપિત્ત અને ત્વચારોગના ક્ષેત્રમાં સંશોધન કરી વિશ્વકક્ષાની નિદાન પદ્ધતિઓ પૂરી પાડે છે. તાપી જિલ્લા માટે આ ગૌરવની બાબત છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
