તાપી જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૬ ની ઉજવણીનો પ્રારંભ
સહાયક મોટર વાહન નિરીક્ષકશ્રી ડી.બી. ગામીતે ટ્રક ડ્રાઈવરોને માર્ગ સલામતીનું મહત્વ સમજાવ્યું
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 05 :- ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) દ્વારા નિર્ધારિત ‘શીખ સે સુરક્ષા, ટેક્નોલોજી સે પરિવર્તન’ થીમ હેઠળ ગુજરાત રાજ્ય સહિત તાપી જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવા અને નાગરિકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા માટે સમગ્ર જાન્યુઆરી માસ દરમિયાન રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૬ ની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ અભિયાનના ભાગરૂપે એઆરટીઓ વ્યારા દ્વારા વ્યારા સુગર મંડળી ખાતે ૫મી જાન્યુઆરીએ ટ્રક ચાલકો માટે ખાસ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સહાયક મોટર વાહન નિરીક્ષકશ્રી ડી.બી. ગામીતે ઉપસ્થિત ડ્રાઈવરોને માર્ગ સલામતીનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે વાહનો પર રેડિયમ પટ્ટીનો ઉપયોગ, રીઅર અને સાઈડ અંડર પ્રોટેક્ટિંગ ડિવાઈસની અનિવાર્યતા તેમજ લેન ડ્રાઈવિંગના ફાયદાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.
કાર્યક્રમના અંતે માર્ગ અકસ્માત નિવારવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે તમામ ચાલકોને રોડ સેફ્ટીના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
