કડકડતી ઠંડીમાં ૧૪ દિવસથી રસ્તા પર રહેતા ૬૦ વર્ષના વૃધ્ધ મહિલાની વહારે આવી બારડોલી 181 અભયમ મહિલા હેલ્પલાઇન
વૃધ્ધ મહિલાને ચંદ્રાસી ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલીત વૃધ્ધાશ્રમ તરભોણ ખાતે સુરક્ષિત આશ્રય અપાવવામાં આવેલ છે
(પ્રિયા દુબે દ્વારા, બારડોલી) : એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે એક અજાણી મહિલા જેમની ઉંમર આશરે ૬૦ વર્ષ હશે તેઓ બારડોલી તાલુકાના મઢી ગામે આવેલ સ્કુલની પાસે ૧૩-૧૪ દિવસથી એકલા બેસી રહે છે. ક્યાં જવું છે તે બાબતે પૂછતાં કશું બોલતા નથી. તેથી મહિલાના કાઉન્સેલિંગ કરવા માટે ૧૮૧ ની મદદ ની જરૂર છે.
જેના પગલે ૧૮૧ ટીમના કાઉન્સેલર પટેલ ખૂશ્બુબેન, મહીલા પોલીસ કોન્સ્ટેબલ ચૌધરી શ્રેયાબેન તેમજ પાઇલોટ શેખ અકરમભાઈ તાત્કાલિક બારડોલીથી નીકળી ઘટના સ્થળે અજાણી મહિલાની મદદ માટે પહોચ્યા. ઘટના સ્થળ પર હાજર હતા એ લોકોને પૂછપરછ કરી તેમણે જણાવેલ કે આ વૃધ્ધ મહિલા છેલ્લા ૧૩-૧૪ દિવસથી અહીં બેસી રહે છે તેઓ ક્યાંથી આવ્યા અને કોની સાથે આવ્યા એ બાબતે ગામના લોકોને કંઈ ખબર નથી. વૃધ્ધ મહિલા મરાઠી ભાષા બોલતા હોય તેથી ગામના લોકો દ્વારા મરાઠી ભાષામાં વાતચીત કરી શકે એવા વ્યક્તિને પણ ઘટનાસ્થળે બોલાવ્યા હતા પરંતુ વૃધ્ધ મહિલાએ તેમના પરિવારની કંઈપણ માહિતી આપેલ નથી. તેથી વૃધ્ધ મહિલાની મદદ કરવા માટે ૧૮૧ ટીમની મદદ લીધેલ છે. ૧૮૧ ટીમે વૃધ્ધ મહિલાની સાથે શાંત ચીત સ્વભાવે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો.વૃધ્ધ મહિલા મરાઠી ભાષા અને તેમના ગામની બોલીમાં વાતચીત કરી રહ્યા હતા. કાઉન્સેલિંગ દરમ્યાન મહિલાએ પોતાનું નામ જણાવ્યું હતું. વૃધ્ધ મહિલાનું સરનામું અને પરિવારના સભ્યોના નામ તેમજ મોબાઈલ નંબર જાણવાના પ્રયત્ન કરેલ પરંતુ તેઓએ અલગ-અલગ ગામોના નામ જણાવ્યા હતા બીજુ કાંઈ જ યાદ ના હતુ. વૃધ્ધ મહિલાની પાસે કોઈ ડોક્યુમન્ટ પણ ન હતાં. ઘટનાસ્થળ પર હાજર હતા એ લોકોને પૂછપરછ કરી તેમજ આજુબાજના વિસ્તારમાં તપાસ કરવામાં આવેલા પરંતુ વૃધ્ધ મહિલાને કોઈ ઓળખતા ન હતા. ૧૮૧ ટીમ દ્રારા વૃદ્ધ મહિલાને રખડતું ભટકતું જીવન જીવવા કરતાં એક સારી સંસ્થામાં રહીને સારું જીવન જીવે તે હેતુથી હાલ વૃધ્ધ મહિલાના પરિવારજનોની કોઈ પણ માહીતી મળેલ નથી તેથી વૃધ્ધ મહિલાની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખતા વૃધ્ધ મહિલાને ચંદ્રાસી ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલીત વૃધ્ધાશ્રમ તરભોણ ખાતે સુરક્ષિત આશ્રય અપાવવામાં આવેલ છે. આ ફોટા સાથે બહેનની માહિતી માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ અથવા ચંદ્રાસી ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલીત વૃધ્ધાશ્રમ તરભોણ ખાતેનો સંપર્ક કરવો.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
