તાપી જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હેઠળ મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ કરાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૯. :- ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા જાહેર કરાયેલ કાર્યક્રમ મુજબ સમગ્ર રાજ્યની સાથે તાપી જિલ્લામાં પણ ૧લી જાન્યુઆરી, ૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.

ચૂંટણી પંચના તાજેતરના સુધારા મુજબ, આજે ૧૯ ડિસેમ્બરના રોજ તાપી જિલ્લાના ૧૭૧-વ્યારા (અ.જ.જા) અને ૧૭૨-નિઝર (અ.જ.જા) વિધાનસભા મતદાર વિભાગોમાં નિયત સ્થળોએ મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. આ કાર્યક્રમનો મુખ્ય આશય મતદારયાદીને ક્ષતિરહિત અને આધુનિક બનાવવાનો છે.

આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં રાજકીય પક્ષોને મુસદ્દા મતદારયાદીની નકલ તેમજ જે નામોનો સમાવેશ થઈ શક્યો નથી તેની યાદી સુપરત કરવામાં આવી હતી. જે નાગરિકો આખરી યાદીમાં પોતાનું નામ નોંધાવવા ઈચ્છતા હોય તેઓ આજથી જ સંબંધિત મતદાર નોંધણી અધિકારી સમક્ષ ફોર્મ નં. ૬, બાંહેધરી ફોર્મ અને જરૂરી પુરાવાઓ રજૂ કરી પોતાની નોંધણી કરાવી શકશે.

મુસદ્દા મતદારયાદીની પ્રસિધ્ધિ બાદ “No Mapping” (જેમને ૨૦૦૨ ની મતદારયાદી સાથે મેપ કરી શકાયેલ નથી) કેટેગરી વાળા મતદારોને સબંધિત મતદાર નોંધણી અધિકારી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કક્ષાએથી નોટીસની બજવણી કરી જરૂરી પુરાવાઓ રજૂ કરવા જણાવવામાં આવશે તથા ત્યારબાદ નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવશે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *