શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ: ઓલપાડ તાલુકાનું ગૌરવ વધારતાં જિજ્ઞાસા સોલંકી અને આરતી દવે

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૦૮. જિલ્લાનાં શિક્ષણ વિભાગ દ્વારા તાલુકા કક્ષાનાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત સાયણ સુગર ફેક્ટરી અને કીમ પ્રાથમિક શાળાનાં શિક્ષિકા અનુક્રમે જિજ્ઞાસા સોલંકી અને આરતી દવેની પસંદગી થતાં તાલુકાનાં શિક્ષણ આલમમાં આનંદની લહેર પ્રસરી જવા પામી હતી.
5 મી સપ્ટેમ્બર શિક્ષકદિનનાં વિશેષ અવસરે રાજ્ય સરકારનાં શિક્ષણ વિભાગની પ્રેરણા સહ જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીનાં સંયુક્ત ઉપક્રમે જી.ડી.ગોએન્કા ઈન્ટરનેશનલ સ્કૂલ, વેસુ કેનાલ રોડ, સુરત ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય, જિલ્લા, તાલુકા તેમજ શહેરી કક્ષાનાં અધિકારી-પદાધિકારીઓ, આમંત્રિત મહેમાનો સહિત સન્માનનીય શિક્ષક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. સમારોહનાં અધ્યક્ષ એવાં જિલ્લા પંચાયત પ્રમુખ સમીરભાઈ મોદી તથા ઓલપાડનાં ધારાસભ્ય મુકેશભાઈ પટેલનાં હસ્તે તાલુકાનાં બંને પ્રતિભાવંત શિક્ષિકા જિજ્ઞાસા સોલંકી અને આરતી દવેએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સ્વીકાર્યો હતો. આ તકે તેઓને પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડીને નવાજવામાં આવ્યા હતાં, સાથે જ તેમને સન્માનપત્ર સહિત રોકડ પુરસ્કારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે જિજ્ઞાસા સોલંકી શિક્ષણની સાથોસાથ સામાજિક સેવા ક્ષેત્રે આગવુ સ્થાન ધરાવે છે. સૌરાષ્ટ્ર ફાઉન્ડેશન ટ્રસ્ટનાં સહયોગથી તેઓ આસપાસનાં ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો માટે શૈક્ષણિક કીટ સહિત કપડાની વ્યવસ્થા કરતા રહે છે. શાળા, કેન્દ્ર તથા તાલુકા કક્ષાનાં અનેકવિધ કાર્યક્રમોમાં તેમની સક્રિય ભાગીદારી રહી છે. જ્યારે બીજીતરફ આરતી દવે શિક્ષણકાર્યની સાથે ઈનોવેટીવ પ્રવૃત્તિઓ બાબતે ઉત્તમ કાર્ય કરી રહ્યાં છે. ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં તેમની ભૂમિકા નોંધનીય રહી છે. આ તકે પોતાનાં પ્રાસંગિક પ્રતિભાવમાં જિજ્ઞાસા સોલંકી તથા આરતી દવેએ સંયુક્તપણે જણાવેલ હતું કે આ ઉજળા અવસરે સન્માનિત થતાં અમારી જવાબદારી પણ વધી છે ત્યારે આનાથી પણ વધુ સારી રીતે કામ કરી અમો બાલદેવોનાં જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરી તેમને ઉજળા ભવિષ્ય તરફ લઈ જવાની ખાતરી આપીએ છીએ. આ સાથે તેઓએ શિક્ષણ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. બંને એવોર્ડી શિક્ષકોને તેમની વિશેષ ઉપલબ્ધિ માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિજયભાઈ જરગલિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ સહિત કીમ અને સાયણ કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળા પરિવારે આનંદસહ અભિનંદન પાઠવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
______________
