અંકલેશ્વરની એસેન્ટ શાળા ખાતે ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : વિદ્યાર્થીઓની કલાશક્તિની પીછાણ કરવા તથા તેઓની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનાં હેતુસર જીસીઇઆરટી ,ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભરૂચ દ્વારા આયોજિત નોબારીયા ક્લસ્ટર કક્ષાનાં કલા ઉત્સવની ઉજવણી એસેન્ટ શાળા ખાતે કરવામાં આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અંકલેશ્વરનાં અધ્યક્ષ ગણેશ અગ્રવાલ, અતિથિ વિશેષ એવાં રાજ્ય અને રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા ગજેન્દ્ર પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ, સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિશાલ જોશી, ટ્રસ્ટનાં પ્રમુખ વિનેશ કાગજવાલા, પૂર્વ પ્રિન્સિપાલ બીના કાગજવાલા, આચાર્ય વિશાલ શાહ તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ વચ્ચે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અતિથિ વિશેષ ગજેન્દ્ર પટેલે કલા ઉત્સવને બિરદાવી ભવિષ્યમાં વિદ્યાર્થીઓમાંથી નામાંકિત કલાકારો પ્રાપ્ત થશે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી ભાગ લેનાર સૌને અભિનંદન પાઠવ્યા હતાં. કાર્યક્રમનાં પ્રારંભે સ્વાગત પ્રવચન વિશાલ શાહે કર્યું હતું. કલા ઉત્સવમાં ચિત્ર સ્પર્ધા, વાદ્ય, ગાયન અને વાર્તા કઠન જેવી કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી. કલાઉત્સવમાં 14 શાળાનાં 34 થી વધુ વિદ્યાર્થીઓએ સહર્ષ ભાગ લીધો હતો.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
