ઝાલાવાડ મુસ્લિમ મુલતાની જમાતનાં તેજસ્વી તારલાને સન્માનિત કરવાનો એક ભવ્ય કાર્યક્રમ ધ્રાંગધ્રા ખાતે યોજાયો
સાંસદ ચંદુભાઈ સિહોરાની શિક્ષણ વિશે માર્ગદર્શન સાથે પ્રેરક ઉપસ્થિતિ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સમસ્ત ઝાલાવાડ મુલતાની સમાજ દ્વારા આયોજિત તેજસ્વી તારલા સન્માન સમારોહનું ભવ્ય આયોજન ધ્રાંગધ્રા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં આ વિસ્તારનાં લોકપ્રિય સાંસદ ચંદુભાઈ સિહોરા, પીર એ તરીકત હજરત બાબા બાપુ, જાણીતા શિક્ષણવિદ ડૉ. મેરૂભાઈ ટમાલીયા, મૈત્રી વિદ્યાપીઠ સુરેન્દ્રનગરનાં માનદ મંત્રી ડો. જયશ્રીબેન દેસાઈ, પ્રોફેસર ડૉ. નસરીનબેન શેખ, મલ્ટી ડોટ્સનાં કો.ફાઉન્ડર અસ્લમભાઈ મુલતાની, સામાજિક અગ્રણી ઈમ્તિયાઝભાઈ મુલતાની સહિત ખૂબ મોટી સંખ્યામાં સમાજનાં આગેવાનો, વડીલો, શ્રેષ્ઠીઓ તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે ધોરણ 10, ધોરણ 12 તથા વિવિધ વિદ્યાશાખામાં ડિગ્રી મેળવેલ કુલ 161 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે હજ અને ઉમરાહની મુબારક સફર પર જઈ આવનાર તમામ હાજી સાહેબોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતાં. નિવૃત્ત શ્રેષ્ઠ કર્મયોગી એવાં મિત્રોને પણ સન્માનિત કરીને નિવૃત્તિની શુભેચ્છા આપવામાં આવી હતી.
આ તકે સાંસદ ચંદુભાઈ સિહોરાએ શિક્ષણનું મહત્વ, સ્વદેશી વસ્તુઓનો જીવનમાં ઉપયોગ, રાષ્ટ્રગાન વંદે માતરમની 150 મી જન્મ જયંતિની શૌર્ય સભર ઉજવણી અને એનાં મૂલ્ય વિશે ખૂબ ઉમદા વાતો કરી હતી. ડો. જયશ્રીબેન દેસાઈ, ડો. મેરૂભાઈ ટમાલીયા તેમજ ડો. નસરીનબેન શેખ દ્વારા બાળકોને મૂલ્યલક્ષી બાબતો, વ્યસન મુક્તિ તેમજ કારકિર્દી નિર્માણ બાબતે ખૂબ જ પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સૌને સ્વદેશી વસ્તુઓનો જીવનમાં ઉપીયોગ, વ્યસનમુક્તિ તથા સ્વચ્છતા વિશે સંકલ્પબદ્ધ કરવામાં આવ્યા હતાં.
દાતાશ્રીઓ દ્વારા તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો અર્પણ કરવામાં આવ્યા હતાં. પ્રારંભે સમાજનાં મંત્રી ઇલ્યાસભાઈ મુલતાનીએ સૌને આવકાર્યા હતાં, જ્યારે સમાજનાં ઓડિટર રસિદભાઈ મુલતાનીએ આભારવિધિ આટોપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઝાલાવાડ મુલતાની સમાજનાં પ્રમુખ યાસીનભાઈ મુલતાનીએ કર્યું હતું.
રિપોર્ટ: વિજય પટેલ
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
