ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નવનિયુક્ત મંત્રીમંડળનું અભિવાદન કરવામાં આવ્યુ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગાંધીનગર ખાતે નવનિયુક્ત કેબિનેટ કક્ષાનાં મંત્રીશ્રીઓ તથા રાજ્યકક્ષાનાં મંત્રીશ્રીઓની શુભેચ્છા મુલાકાત લઈ તેમનું હૃદયપૂર્વક અભિવાદન કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં ગુજરાત સરકારનાં મંત્રીમંડળનાં થયેલ બદલાવ બાદ રાજ્યનાં કેબિનેટ કક્ષાનાં શિક્ષણમંત્રી તરીકેનો પદભાર સંભાળનાર ડૉ. પ્રદ્યુમન વાજા (સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ) તથા રાજ્ય કક્ષાનાં શિક્ષણમંત્રી તરીકેનો પદભાર સંભાળનાર રિવાબા જાડેજા (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ) સહિત અન્ય નવનિયુક્ત કેબિનેટ કક્ષાનાં મંત્રીશ્રીઓ તથા રાજ્યકક્ષાનાં મંત્રીશ્રીઓ સાથેની ખાસ શુભેચ્છા મુલાકાત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની આગેવાનીમાં યોજવામાં આવી હતી. જેમની સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી જૈમિનભાઈ પટેલ, સિનિયર ઉપપ્રમુખ કિરીટભાઈ પટેલ તથા વિક્રમસિંહ ગરાસીયા, નાણાંમંત્રી મહેન્દ્રસિંહ વિંછીયા સહિત ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળનાં પ્રમુખ સતિષભાઈ પટેલ જોડાયા હતાં. રાજ્ય સંઘની આ ટીમે સર્વે મંત્રીશ્રીઓનાં કાર્યાલય ખાતે પહોંચી તેમને શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ અર્પણ કરી, મોં મીઠુ કરાવીને ઉષ્માભર્યા અભિવાદન સાથે રાજ્યનાં શિક્ષણ આલમ વતી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે સદર ટીમે શિક્ષણમંત્રી સાથે રાજ્યનાં નૂતન શૈક્ષણિક પ્રવાહની સંક્ષિપ્ત વાટાઘાટ પણ હાથ ધરી હતી. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
