ઓલપાડની મુળદ પ્રાથમિક શાળાનાં શિક્ષક દંપતિનો વિદાય સન્માન સમારોહ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની મુળદ પ્રાથમિક શાળાનાં ફરજનિષ્ઠ અને કર્મઠ શિક્ષક દંપતિ ભૂપેન્દ્રભાઈ રમણભાઈ પટેલ તથા સુશીલાબેન ભૂપેન્દ્રભાઈ પટેલનો વયનિવૃત્તિ સન્માન સમારોહ ગામનાં રાજપૂત સમાજ સત્સંગ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ આ વિદાય સન્માન સમારંભમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિજયભાઈ જરગલિયા, બીટ નિરીક્ષક નગીનભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, ટીચર્સ સોસાયટીનાં સેક્રેટરી મહેશભાઈ પટેલ, ગામનાં અગ્રણીઓ, સ્નેહીજનો અને શુભેચ્છકો ઉપરાંત ખૂબજ મોટી સંખ્યામાં વાલીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ વિદાય સન્માન પ્રસંગે ભૂપેન્દ્રભાઈ તથા સુશીલાબેનને પુષ્પગુચ્છ, સ્મૃતિભેટ, સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવા માટે રીતસર કતાર લાગી હતી જે બાબત તેમનાં વ્યક્તિત્વ અને માનવીય સંબંધોને જાળવવાની એમની કુનેહને ઉજાગર કરતી હતી. શાળાનાં ઉત્થાન અને પ્રગતિ માટે તેમણે કરેલાં કાર્યો, બાળકો પ્રત્યેનો પ્રેમભાવ, સ્ટાફ સાથેનું સંકલન, સંઘભાવના જેવી ઘણી મીઠી યાદોનાં અને તેમની કદરરૂપેનાં સંભારણા આ તકે ઉપસ્થિત મહેમાનોનાં પ્રાસંગિક પ્રવચનમાં સાંભળવા મળ્યાં.

પ્રારંભે દીપ પ્રજ્વલન બાદ શાળાની બાળાઓએ પ્રાર્થના તથા સ્વાગતગીત રજૂ કર્યા હતાં. આ તકે કાર્યક્રમનાં અધ્યક્ષ કિરીટભાઈ પટેલે વિદાય લઈ રહેલ દંપતિનાં શાળા તથા બાળકો પ્રત્યેનાં લગાવની સરાહના કરી તેમની ફરજને યથાર્થ ગણાવી હતી. પોતાનાં પ્રતિભાવનાં શબ્દો રજૂ કરતી વેળા આ શિક્ષક દંપતિની આંખો અશ્રુભીની થઈ હતી. અંતમાં આભારવિધિ શાળાનાં શિક્ષિકા નિમિષાબેન પટેલે આટોપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન સતિષભાઈ પરમાર તથા હેમલતાબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ: વિજય પટેલ (ઓલપાડ)

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *