મિલેટ્સ વાનગીએ ફુડલવર્સને તાપી ફન ફેસ્ટમાં આકર્ષ્યા
સ્વાદ અને પૌષ્ટિકતાના માપદંડોના આધારે વિજેતા સ્પર્ધકોને મંત્રીશ્રી મુકેશ પટેલના હસ્તે ઇનામ વિતરણ કરાયું
–
મિલેટ્સ વાનગીઓને હવે ગ્રામ્યની સાથે શહેરી જીવનશૈલીમાં પણ સ્થાન મળશે
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારામ) : તા. ૧૩.- તાપી જિલ્લાના મિશન લાઈફ હેઠળ તાપી ફન ફેસ્ટમાં અનોખી રીતે “મિલેટ્સ વાનગીઓની સ્પર્ધા” યોજાઈ હતી. જ્યાં સખીમંડળની બહેનો, આંગણવાડી કાર્યકરો સહિત ફુડલવર્સ, બાળકો, યુવાનો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ મિલેટ્સ આહાર આરોગી આનંદ માણ્યો હતો.
સ્પર્ધામાં પરંપરાગત ધાન્યોમાંથી તૈયાર વાનગીઓ રેસિપી સાથે પ્રદર્શનીમાં મુકાઈ હતી. જેમાં બાજરીનો મીઠો ચુરમો, રાગી મિલ્ક શેક, પ્રોટીન અને આયર્નથી ભરપૂર સ્વાદિષ્ટ જુવારના ચિલ્લા અને નાગલીની સુખડી, ઉપવાસ માટે યોગ્ય અને પાચનક્ષમ અનાજ આધારિત મોરયાની ખીચડી અને મોરયાનો પુલાવ, દક્ષિણ ભારતીય અને ગુજરાતની પરંપરા વચ્ચે આહાર સંસ્કૃતિનો સુંદર સંમેલન કરતી નાગલી-જુવારનો ઉત્તપ્પમ અને મિક્ષ મિલેટના મુઠિયા તેમજ તળેલા હોવા છતાં પોષણયુક્ત અને વિવિધ ચટણીઓ સાથે પીરસાતા વિશેષ સ્વાદવાળા બાજરીના વડા આરોગી નાગરિકોએ સ્વાદ માણ્યો હતો.
નોંધનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વિશ્વભરમાં વર્ષ ૨૦૨૩ ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યો હતો. તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મિલેટ્સના ઉપયોગને પ્રોત્સાહન મળ્યું છે. નાગરિકોની જીવનશૈલીમાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટે મિલેટ્સને માત્ર ગ્રામીણ નહીં પરંતુ શહેરી જીવનશૈલીમાં પણ સ્થાન મળે તે દિશામાં તાપી ફન ફેસ્ટના માધ્યમથી પ્રયત્નો કરાયાં હતા.
સ્પર્ધામાં તજજ્ઞો દ્વારા વાનગીઓનું મૂલ્યાંકન કરીને સ્વાદ અને પૌષ્ટિકતાના માપદંડોને કેન્દ્રમાં રાખીને શ્રેષ્ઠ વાનગીઓ પસંદ કરીને વિજેતા સ્પર્ધકોને તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે પ્રોત્સાહક ઇનામ તેમજ મેડલ આપી સન્માનિત કરાયાં હતા.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
