બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા ધોરણ 6 થી 8 નાં સામાજિક વિજ્ઞાન શિક્ષકોની તાલીમ યોજવામાં આવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2020 (NEP-2020) અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા-શાળા શિક્ષણ 2023 (NCF-SE-2023) નાં દિશા-દર્શન અનુસાર વિષયોનાં અનુબંધ માટે, એકવીસમી સદીનાં કૌશલ્યો (21″ Century skills) ની ખિલવણી માટે તેમજ ભારતીય જ્ઞાન પરંપરા સાથેનાં અનુબંધ અનુસાર અધ્યયન-અધ્યાપન પ્રક્રિયાનાં સુચારુ આયોજન માટે એટલે કે એકમ કેવી રીતે શીખવવો, અધ્યયન નિષ્પત્તિ અનુસાર દૃષ્ટિપૂર્વકનું આયોજન, દ્રશ્ય-શ્રાવ્ય સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ, વિષયને જીવંત બનાવવા માટે જરૂરી યુકિત-પ્રયુકિતઓનાં આયોજન અંગેનું માર્ગદર્શન શિક્ષકોને મળી રહે એવાં હેતુસર બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા ધોરણ 6 થી 8 નાં સામાજિક વિજ્ઞાનનાં શિક્ષકો માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત પ્રેરિત આ તાલીમ વર્ગનાં પ્રારંભે બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે સૌ તાલીમાર્થીઓને આવકારી જણાવ્યું હતું કે ધોરણ 6 થી 8 નાં સામાજિક વિજ્ઞાન વિષયને સારી રીતે અને યોગ્ય દિશા મુજબ શીખવી શકાય તેવાં મુદ્દાઓને આવરી લઈ નવી બાબતો શિક્ષકો સુધી પહોંચાડવા અને નવીન દિશા બતાવવા માટેનો મૂળભૂત હેતુ આ તાલીમનો રહેલો છે ત્યારે બાળકોમાં જ્ઞાનની નવી નવી ક્ષિતિજો ઉઘાડવાની આપણી વિશેષ જવાબદારી બને છે.

સદર તાલીમ વર્ગમાં તજજ્ઞોએ શિક્ષક આવૃત્તિમાં સમાવિષ્ટ બાબતોને કેન્દ્રમાં રાખી શિક્ષકોને વર્ગકાર્યમાં ઉપયોગી બની રહે તે મુજબ એકમ અને અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે વિવિધ પ્રવૃત્તિઓ, પ્રોજેકટ કાર્ય, દરેક મુદ્દા મુજબ જરૂરી માહિતી અને વિશેષ બાબતોને વિવિધ આયામો થકી તાલીમાર્થીઓ સમક્ષ રજૂ કરી હતી. સદર તાલીમનાં તજજ્ઞ તરીકે અનુક્રમે હાર્દિક પટેલ (સેગવાછામા), હેતલ પટેલ (માધર), કાંતિ પટેલ (વડોલી), પૂર્વિકા પટેલ (ભાદોલ) તથા રેખા પટેલે (કીમ) સેવા આપી હતી. તાલીમ વર્ગનાં સંચાલક તથા સહસંચાલક તરીકે અનુક્રમે ડાયટ સુરતનાં સંશોધન સહાયક ચેતન મહેતા અને ઓલપાડમુખ્ય પ્રાથમિક શાળાનાં આચાર્ય કૈલાશ વરાછીયાએ જવાબદારી સંભાળી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *