ઓલપાડની કરંજ પ્રાથમિક શાળામાં પહલ હોસ્પિટલનાં ડો.પૂર્વી પટેલ દ્વારા નોટબુક વિતરણ કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કરંજ પ્રાથમિક શાળામાં સુરતનાં મોરાભાગળ સ્થિત પહલ હોસ્પિટલનાં ડો.પૂર્વી પટેલ અને તેમનાં પરિવાર દ્વારા તેમનાં સ્વર્ગસ્થ પિતાશ્રી ડો.લક્ષ્મણભાઈ પટેલનાં સ્મરણાર્થે તમામ બાળકોને નોટબુકનું વિતરણ કરીને ‘વિદ્યા દાન શ્રેષ્ઠ દાન’નાં સૂત્રને સાર્થક કરવામાં આવ્યું હતું. અત્રેની શાળામાં યોજાયેલ એક નાનકડા કાર્યક્રમ પ્રસંગે આચાર્ય જાગૃતિબેન પટેલે દાતાશ્રીને આવકારી શાળા પ્રગતિનો પ્રાથમિક ચિતાર રજૂ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સેવાકીય પ્રવૃત્તિનાં ઉમદા હેતુસર ડો.પૂર્વી પટેલ દ્વારા આરંભાયેલ પરોપકારી સુવાસથી અનેક જરૂરિયાતમંદ બાળકોનાં જીવનમાં રાજીપાનો સંચાર થયેલ છે. તેમની તેજોમય સખાવત દ્વારા કેટલાંય બાળકોનાં જીવનમાં પ્રકાશ પથરાઈને આનંદનાં અજવાળા થયા છે. તેમનાં દ્વારા નિ:સ્વાર્થભાવે જરૂરિયાતમંદ સરકારી પ્રાથમિક શાળાઓનાં બાળકોને દફતર, નોટબુક તથા અન્ય શૈક્ષણિક કીટનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવે છે જે એક નોંધનીય બાબત છે.
કીટ વિતરણ પ્રસંગે ડો.પૂર્વી પટેલે જણાવ્યું હતું કે અમારી સેવાનો આશય પ્રસિદ્ધિનો નથી બલ્કે નિર્દોષ બાળકોનાં ચહેરાઓ પર ખુશી લાવવાનો છે. આ તકે તેમણે સંતોષનો ભાવ વ્યક્ત કરી ઉપસ્થિત શિક્ષકગણ સાથે શૈક્ષણિક સંવાદ સાધી ભવિષ્યમાં પણ સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. અંતમાં શાળાનાં ઉપશિક્ષક નિલેશ પટેલે દાતાશ્રીનાં સામાજિક ઉત્તરદાયિત્વની સરાહના કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

