જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત દ્વારા સીઆરસી કો-ઓર્ડિનેટર્સ માટે એકદિવસીય બાળમેળો-લાઈફસ્કીલ સંકલ્પના કાર્યશાળાનું આયોજન કરવામાં
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં ભલામણ કરી છે કે કલા, રમત-ગમત અને વ્યવસાયિક હસ્તકલા સહિતની વિવિધ પ્રકારની સંવર્ધન પ્રવૃત્તિઓને અભ્યાસક્રમમાં સ્થાન મળે તેમજ કલા, ક્વીઝ, રમતગમત અને વ્યવસાયિક હસ્તકલા સહિતની વિવિધ પ્રકારની સંવર્ધન પ્રવૃત્તિઓ માટે સમગ્ર વર્ષ દરમિયાન બેગલેસ દિવસોને પ્રોત્સાહન આપવામાં આવશે. આ બેગલેસ દિવસનાં ભાગરૂપે વિધાર્થીઓમાં વિવિધ જીવન કૌશલ્યોની ખિલવણી થાય તે માટે દર વર્ષે બાળમેળાની પ્રવૃત્તિઓ બે વિભાગમાં આયોજીત કરવામાં આવે છે. જે પૈકી બાલવાટિકાથી ધોરણ 5 નાં વિદ્યાર્થીઓ માટે બાળમેળા અને ધોરણ 6 થી 8 નાં વિદ્યાર્થીઓ માટે લાઇફસ્કીલ આધારિત બાળમેળાનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત દ્વારા જિલ્લા તથા શહેરી વિસ્તારમાં કાર્યરત સી.આર.સી. કો-ઓર્ડિનેટર્સની એકદિવસીય બાળમેળો-લાઈફસ્કીલ સંકલ્પના કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સદર કાર્યશાળા સંદર્ભે વધુ માહિતી આપતાં સંસ્થાનાં જુનિયર લેક્ચરર રશ્મિકાંતભાઈ પટેલે જણાવ્યું હતું કે આ બાળમેળા અને લાઇફસ્કીલ આધારિત પ્રવૃત્તિઓ પૈકી બાળમેળા દ્વારા વિદ્યાર્થીઓમાં બાળવાર્તા, માટીકામ, રંગપૂરણી, હસ્તકલા, ચીટકકામ, કાગળકામ, ગળીકામ, બાળવાર્તા આધારિત નાટક, વિવિધ જીવન કૌશલ્યોની ખીલવણી જેવી વિવિધ પ્રવૃત્તિઓ અને રમતોનાં માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જ્યારે લાઇફસ્કીલ મેળાની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ વાસ્તવિક જીવન સાથે અનુબંધ સાધશે તેમજ તેઓ વધુ ઉન્નત અને બહેતર જીવન જીવવા તૈયાર થશે. સાથે જ વિદ્યાર્થીઓ પોતાનાં રોજિંદા જીવનમાં નાનામોટા પ્રશ્નો જાતે હલ કરીને સ્વાવલંબી બનશે.
કાર્યશાળામાં ઉપરોક્ત મૂળભૂત હેતુઓને ફળીભૂત કરવાનાં શુભ હેતુસર તમામ તાલીમાર્થીઓ વિવિધ જૂથકાર્યમાં ઉત્સાહભેર જોડાયા હતાં. આ પ્રસંગે બેગલેસ ડે, ઈન્સ્પાયર એવોર્ડ, ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન જેવી મહત્ત્વપૂર્ણ બાબતોની સવિસ્તર છણાવટ કરવામાં આવી હતી.
તસવીર: વિજય પટેલ (ઓલપાડ)
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

