આદિજાતિ વિકાસ મંત્રીશ્રીએ તાપીના સોનગઢ, વાઘનેરા અને શિશોરમાં બાળકોને કરાવ્યો શાળા પ્રવેશ

Contact News Publisher

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ : સમાજોત્સવ – ઉત્સવ બાળકના સર્વાંગી વિકાસનો

વિકસિત ભારતના સપનાને સાકાર કરવા શિક્ષણ અત્યંત જરૂરી: મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ

 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૬. સમગ્ર રાજ્ય સરકાર દ્વારા રાજ્યવ્યાપી ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે તાપી જિલ્લાના સોનગઢની સાર્વજનિક હાઈસ્કુલ,વાઘનેરા અને શિશોર ગામની પ્રાથમિક શાળામાં રાજયના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ રાજયમંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિએ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો.

આજે યોજાયેલ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વાલીઓ, ગ્રામજનો અને બાળકોને સંબોધતા રાજયમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ શિક્ષણનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, કોઇપણ સમાજે વિકાસના પથ પર અગ્રેસર થવું હોય તો શિક્ષણ મેળવવું જ જરુરી છે. દેશના વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સપનાને સાકાર કરવા શિક્ષણ અત્યંત જરૂરી છે. આજે રાજય સરકાર વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓ અમલી બનાવી બાળકો સારું શિક્ષણ પ્રાપ્ત કરે તે દિશામાં આગળ વધી રહ્યું છે.

બાળકોના સર્વાંગી વિકાસમાં શિક્ષક અને વાલીની ભૂમિકા અંગે માર્ગદર્શન આપતા તેમણે જણાવ્યું હતું કે, વાલીઓએ પણ બાળકના શિક્ષણ અંગે શિક્ષકો જેટલી જ કાળજી રાખવી પડશે એમ કહી તેમણે શાળામાં ભણવા આવતા તમામ બાળકો પોતાના જ બાળકો છે એમ સમજી શિક્ષકો બાળકોને કેળવણી આપે એવી અપેક્ષા પણ તેમણે વ્યકત કરી હતી.

આ સાથે ઉપસ્થિત સૌને દેશના વડાપ્રધાનશ્રીએ શરુ કરેલા “એક પેડ મા કે નામ” અભિયાન હેઠળ એક વૃક્ષ રોપવા માટે અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન મંત્રી અને મહાનુભાવોએ નાના ભૂલકાઓને આંગણવાડી, બાલ વાટિકા અને ધો. ૧ અને ધો.૯ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ ઉપરાંત શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહક ઇનામ આપી નવાજવામાં આવ્યા હતા.

શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ બાદ મંત્રીશ્રીએ શાળા સંચાલન સમિતિના સભ્યો સાથે સંવાદ સાધ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શાળાઓના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

000

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *