પોષણ શપથ સાથે તાપી જિલ્લામાં ૯મા રાષ્ટ્રીય પોષણ માહનો શુભારંભ

“આપણી આંગણવાડી, આપણી જવાબદારી” થીમ હેઠળ એક માસ સુધી વિવિધ પ્રવૃતિઓ થકી પોષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા પ્રોત્સાહિત કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.૦૯. :- તાપી જિલ્લામાં વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ શપથ સાથે ૯મા રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણીનો શુભારંભ થયો છે.
“આપણી આંગણવાડી, આપણી જવાબદારી” ની મુખ્ય થીમ સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયાએ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે સમીક્ષા યોજીને માસ દરમિયાન ચાલનારા ઝુંબેશ હેઠળ પોષણલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ થકી જાગૃતિ લાવવા પ્રોત્સાહિત કર્યા હતા.
૯ સપ્ટેમ્બરથી ૮ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી ચાલનારા આ એક માસના વિશિષ્ટ અભિયાન અંતર્ગત જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો પર વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
આ પોષણ માહ દરમિયાન મુખ્ય થીમ ઉપરાંત પાંચ વિશેષ થીમ આધારિત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. જેમાં આહારમાં વિવિધતા અને પર્યાપ્ત પ્રોટીન, આંગણવાડી કેન્દ્રો પર તાજું અને ગરમ રાંધેલું ભોજન, સામુદાયિક માલિકીપણું અને જવાબદારી, બાળપણના વિકાસ માટે પોષણ તથા પ્રારંભિક ઉત્તેજન, અને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ માતાના સ્વાસ્થ્ય માટે રોકડ સહાય જેવા મહત્વના મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ પ્રવૃત્તિઓ દ્વારા લાભાર્થીઓને પોષણલક્ષી બાબતો પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ કરાશે.
આ સમગ્ર ઝુંબેશનો મુખ્ય આશય તાપી જિલ્લામાં પોષણ સૂચકાંકોમાં નોંધપાત્ર સુધારો લાવવાનો અને સમાજમાં પોષણ પ્રત્યે સંવેદનશીલતા વધારવાનો છે. આ માસ દરમિયાન આંગણવાડી કેન્દ્રોના માધ્યમથી સરકારની વિવિધ પોષણલક્ષી યોજનાઓ અંગે લાભાર્થીઓને વિગતવાર જાણકારી પૂરી પાડવામાં આવશે, જેથી કરીને બાળ અને માતૃ કલ્યાણના લક્ષ્યોને અસરકારક રીતે હાંસલ કરી શકાય.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
