તાપી જિલ્લાના ડુંગરગામ ખાતેથી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો પ્રારંભ

Contact News Publisher

એક પેડ મા કે નામ અંતર્ગત ડુંગરગામના લોકોએ ૧૦૦૦ થી વધુ વૃક્ષો વાવ્યા

જનભાગીદારી સાથે ગામ અને તાપી જિલ્લાને સ્વચ્છ બનાવીએ;- કલેકટર શ્રી ડો.વિપિન ગર્ગ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૧૭ – તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ડુંગરગામ ખાતે આજરોજ તાપી કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ ના અધ્યક્ષ સ્થાને ‘સ્વચ્છતા હી સેવા” અને ‘એક પેડ મા કે નામ” નામના બે કાર્યક્રમો યોજાયા હતા. તાપી જિલ્લામાં જુદા જુદા તબક્કાઓમાં ૩૧ ઓકટોબર સુધી ચાલનારા આ કાર્યક્રમનો ડુંગરગામથી મહાનુભાવોના હસ્તે લીલીઝંડી આપીને પ્રારંભ કરવામાં આવ્યો હતો. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત સૌ ગ્રામજનોએ પોતાના ગામને સ્વચ્છ બનાવવાના શપથ લીધા હતા. ક્લીનલીનેસ ટાર્ગેટ યુનીટની સાફસફાઇ કરી એક પેડ મા કે અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવો સહિત ડુંગરગામના લોકોએ એક હજાર થી વધુ વૃક્ષો વાવી બ્યુટીફીકેશન કર્યુ હતું.

કલેકટરશ્રી ડો. વિપિન ગર્ગે ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત આપણે સૌએ જનભાગીદારી સાથે આપણું ફળિયું, ગામ,આંગણવાડી,શાળા તેમજ જાહેર જગ્યા તેમજ તાલુકા અને જિલ્લાને સ્વચ્છ બનાવીએ. જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ દ્વારા સ્વચ્છતાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. સુકો કચરો અને ભીનો કચરો અલગ કરીને તેની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં જ નાંખીએ. સૌથી વધુ સમસ્યા પ્લાસ્ટિકની છે. જેથી નોન પ્લાસ્ટિક જુદુ કરીને કચરાનો યોગ્ય નિકાલ કરવાનો છે.

વધુમાં જણાવ્યું હતુ કે, એક પેડ માં કે નામ હેઠળ આપણે પોતાની માતાના નામથી એક વૃક્ષ વાવીને તાપી જિલ્લાને હરિયાળી સમૃધ્ધ બનાવીએ. તદઉપરાંત આજે સેવાસેતુનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. સરકારની ૫૪ પ્રકારની સેવાઓનો લાભ દરેક નાગરિકે લેવો જોઈએ એમ ઉમેર્યું હતું.

નાયબ વન સંરક્ષક શ્રી પુનિત નૈયરે જણાવ્યું હતું કે ૫ જૂન ૨૦૨૪ થી ‘એક પેડ મા કે નામ” કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે. સામાજીક વનીકરણ દ્વારા તાપી જિલ્લામાં ૪૦ લાખ વૃક્ષોનું વાવેતર ચાલુ વર્ષમાં કરવામાં આવ્યું છે. હાલમાં તાપી જિલ્લો ગુજરાતમાં ત્રીજા ક્રમે છે. સમગ્ર ગુજરાતમાં ૭.૫ કરોડ વૃક્ષો વાવવામાં આવ્યા છે. આપણું ગામ,જિલ્લો હરિયાળો બને એવો પ્રયાસ છે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપીના નિયામક ખ્યાતી પટેલે જણાવ્યું હતું કે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ હેઠળ આપણે સૌએ જનભાગીદારી સાથે સહભાગી થવાનું છે. ૨જી ઓકટોબર ગાંધી જયંતિ સુધી સ્વચ્છતા જાગૃતી માટે અનેક થીમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે મદદનીશ વન સંરક્ષક મીનલ શાહ, પ્રાંત અધિકારીશ્રી પ્રતિક પટેલ,નાયબ કલેકટર તૃપ્તિ પટેલ,તાલુકા વિકાસ અધિકારી અલ્પના નાયક,ડુંગરગામ,કટાસવાણના સરપંચશ્રીઓ,ગ્રામજનો સહિત શાળાના બાળકો સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

00000

વધુ ન્યુઝ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો અહીં ટચ કરો

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other