જળ, જમીન અને માનવ સ્વાસ્થ્યના રક્ષણ માટે પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ વિકલ્પ

0
જળ, જમીન અને માનવ સ્વાસ્થ્યના રક્ષણ માટે પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ વિકલ્પ
Contact News Publisher

વ્યારા KVK ખાતે ૧૨૫ ખેડૂતો માટે જીવામૃત અને બ્રહ્માસ્ત્રનું જીવંત નિદર્શન સાથે પ્રાયોગિક તાલીમ યોજાઈ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૦. : આવનારી પેઢીને શુદ્ધ હવા, શુદ્ધ પાણી અને સ્વસ્થ ખોરાક આપવો હશે તો રાસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતી તરફ વળવું જરૂરી છે. આ આશય સાથે વાલોડ તાલુકાના અલગટ અને બેડકુવા ક્લસ્ટરના ૧૨૫ ખેડૂતો માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પાનવાડી-વ્યારા ખાતે ખેડૂત તાલીમ શિબિરમાં યોજાઈ હતી.

 

આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ‘નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ’ હેઠળ યોજાયેલી આ તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે વૈજ્ઞાનિક તેમજ પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

તાલીમમાં KVKના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સી.ડી. પંડ્યા, પાક સંરક્ષણ વૈજ્ઞાનિક ડો. હિતેશ આર. જાધવ, ફાર્મ મેનેજર પ્રતિભાબેન પી. કોંકણી તથા બાગાયત વૈજ્ઞાનિક ડો. પરમેશ્વરીબેન કે. ચૌધરીએ માર્ગદર્શન આપ્યું હતું.

 

તજજ્ઞોએ રાસાયણિક ખાતરો અને કીટનાશકોના વધુ પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા પર થતી અસર સમજાવી, દેશી ગાયના છાણ-ગૌમૂત્રમાંથી બનતા જીવામૃતને જમીન માટે ‘સંજીવની’ સમાન ગણાવી તેના ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

 

તાલીમ દરમિયાન જીવામૃત તૈયાર કરવાની પદ્ધતિ અને તેના ઉપયોગ-ફાયદા તેમજ પાકમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે બ્રહ્માસ્ત્રનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું.

 

સાથે જ ખેડૂતોને KVKના પ્રાકૃતિક ખેતી આધારિત મોડેલ ફાર્મની મુલાકાત કરાવી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અંગે સ્થળ પર જ સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટ, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના અધિકારીઓ તથા કૃષિ સખી-સી.આર.પી., ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

 

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *