ડાંગ જિલ્લામાં વ્યસનના રવાડે ચઢેલા પતિ દ્વારા પત્નીને હેરાનગતિ કરવામાં આવતા 181 અભયમ મદદે પહોંચી
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : આહવા તાલુકાના નજીકના એક ગામમાં વ્યસનના રવાડે ચડેલા પતિ દ્વારા પત્નીને અપશબ્દ બોલી માનસિક ત્રાસ આપીને હેરાનગતિ કરવામાં આવતી હતી. અને ઘરની બહાર કાઢી મૂકવામાં આવતી હતી. ત્યારે પીડિત મહિલાએ 181 અભયમ ટીમનો સંપર્ક કરતા, 181 અભયમ દ્વારા સમાધાન કરાવવામાં આવ્યુ હતુ. આહવા તાલુકાના નજીકના એક ગામમાં રહેતી એક મહિલાના લગ્ન થઈ ગયા છે. પરંતુ પતિ નશાના રવાડે ચઢી ગયો હોવાથી પતિ દારૂનો નશો કરીને ઘરે આવીને પત્ની સાથે ગેરવર્તન કરતો હતો. અને અપશબ્દો બોલી હેરાનગતિ કરતો હતો. તેમજ ઘરની બહાર કાઢી મૂક્તો હતો. જેથી પીડિત મહિલાએ આખરે કંટાળીને મોડી રાત્રિએ 181 અભયમ ટીમનો સંપર્ક કર્યો હતો. ત્યારે 181 અભયમ મહિલા હેલ્પ લાઈન ટીમના નેહા મકવાણા તેમજ તેમની ટીમ તાત્કાલિક ધોરણે રાત્રિએ સ્થળ પર પહોંચ્યા હતા. અને બંને પતિ – પત્નીનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. તેમજ કાયદાકીય માહિતી આપીને માર્ગદર્શન તથા સલાહ સૂચન આપવામાં આવ્યું હતું. જે બાદ બંને પતિ પત્ની નું સમાધાન કરાવવામાં આવ્યું હતુ. અને પતિ પાસે બાંહેધરી લેવામાં આવી હતી કે આજ પછી તેઓ મારઝુડ નહિ કરે તથા અપશબ્દો બોલે નહીં. ઘરેલુ હિંસા અધિનિયમ અંગેની સમજ કરવામાં આવી હતી. વધુમાં 181 અભયમ ટીમ દ્વારા પતિ પત્ની વચ્ચે સમાધાન કરાવવામાં આવતા પીડિત મહિલા દ્વારા 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.